મંથનના વર્તુળો વાર્તા#૬૬

મંથનના વર્તુળો

Atom&Galaxy

   એનું નામ મંથન. સન્મુખકાકાનો દીકરો. કાકા અંધેરીના સ્ટેશન પર ટિકીટ કલેકટર. મારા પપ્પા પણ અંધેરીની ઓફિસમાં. અમે મળતા, રમતા, ભણતા સાથે મોટા થયા. મને એ ખૂબ ગમતો…ના ખોટું અનુમાન ન કરતા. પ્રેમ બ્રેમ જેવું કંઈ નહીં. બસ,ગમતો. મારા કરતાં હોંશિયાર હતો પણ આર્ટ્સ કોલેજમાં ગયો. હું મેડિકલમાં ગઈ. ના બોમ્બેમાં નહીં. ચિન્નાઈમાં. ડૉક્ટર પ્રકાશ સાથે લગ્ન કર્યા. ફરી અંધેરી વેસ્ટમાં આવી. દવાખાનું ખોલ્યું. પપ્પા નિવૃત્ત થઈને હિંચકે ઝૂલતા હતા. મંથન ભૂલાઈ ગયો હતો….

   હમણાં ત્રણ મહિના પહેલા જ સન્મુખકાકા મળી ગયા અને મંથન મારા મગજમાં ભરાઈ બેઠો.

   ‘કાકા, શારદાકાકી મજામાં છે ને?   મંથન ક્યાં છે?     શું કરે છે? મરેજ કર્યા કે નહિ?’

   બધું જ એક સાથે જાણવાની તલપ. કાકાએ ડોકી ઉંચી કરી. આંખો બંધ કરી. મારા પૂછયલા પ્રશ્નોના અનુક્રમે ઉત્તર આપવાનો પ્રય્ત્ન કરતા હોય એમ જવાબ આપ્યો.

   ‘શારદાને આ દુનિયા ન ગમી. એ ઉપર ગઈ.  મંથને લગ્ન કર્યા હતા. મંથન ગાંડો થઈ ગયો. અને મરી ગયો. જીવતો હોત તો વધુ દુઃખી થાત. એની પત્નીને મેં જ  બીજે પરણાવી. એ સુખી છે. એક બાબો છે. કોઈકવાર લઈને મને મળવા આવે છે.

   મંથનને શું થયું હતું?   તમે કેમ છો?   એકલા છો?’

   ‘હા, એકલો જ છું. મંથન જીવતો હતો ત્યાં સૂધી જીવવાનું જરૂરી હતું હવે જરૂરી નથી તોએ જીવ્યે રાખું છું. હવે હંમેશા સારો છું. હંમેશા મજામાં છું એમ કહેવા ટેવાઈ ગયો છું. સાચું તો હું પણ નથી જાણતો કે હું સુખી છું કે દુ:ખી છું.’

   ‘મંથન કોને પરણ્યો હતો?’

   ‘એની પત્નીનું નામ કેતકી. કેતકી એની સાથે ભણતી હતી. પ્રેમ થઈ ગયો.’

   ‘કેતકી?  સૌરભભાઈની બહેન તો નહીં? અમે બધા હાઈસ્કુલમાં સાથે ભણતા હતા સૌરભભાઈતો અમારા કરતા ચાર પાંચ વર્ષ મોટા. અત્યારે કેતકી ક્યાં છે? મારે કેતકીને મળવું છે. સરનામું  કે ફોન નંબર તમને ખબર છે?’

   મને યાદ છે. મંથન ખૂબ શરમાળ અને ઓછો બોલો. સૌરભભાઈ ખૂબજ વાચાળ અને હોંશીયાર. વકિલાતનું ભણતા હતા. એવૉર્ડ વીનિંગ ડિબેટર. હંમેશાં એનો કક્કો જ ખરો કરાવે. હું એ બધ્ધાને ઓળખતી હતી. પછી તો બોમ્બેથી દૂર. મેડિકલ કોળેજનો અભ્યાસ. યુવાન હૈયાનો પ્રેમનો સમય. જૂના મિત્રોનો સંપર્ક તૂટતો ગયો. સન્મુખકાકાએ બધી વ્યક્તિને એક સાથે માનસપટ પર રમતા મૂકી દીધા.

   કાકાએ કફનીના ગજવામાંથી ચિમળાઈ ગયેલી ડયરીમાંથી એક પાનું ફાડ્યું. ધ્રુજતા હાથે કેતકીનો ફોન નંબર લખી આપ્યો. કાકાએ ના કહી તો પણ એમને એમની એ જ જૂની ચાલી પર મૂકી આવી.

   અમારા ફ્લેટ પર આવી કેતકીને તરત જ ફોન કર્યો.   કેતકીએ જ ફોન ઉપાડ્યો.

   ‘હલ્લો કોણ?    ડૉકટર વર્ષા મહેતા?’

   કોલર આઈડી પરથી તેણે મારું નામ જાણ્યું હશે.

   ‘ના હું વર્સી.’

   ‘ઓહો… વર્સી આટલા વરસ ક્યાં સંતાઈ ગઈ હતી?’

   ‘ઓહ, મેં સાંભળ્યું હતું કે તેં લગ્ન કર્યા અને પછી તું પરદેશ ચાલી ગઈ!’

   ‘હા, તેં સાચું સાંભળ્યું છે. હવે પાછી બોમ્બે આવી ગઈ છું. ક્લિનિક માટે જગ્યા મળી ગઈ છે. પણ એ બધી વાત જવા દે. મારે ખૂબ ખૂબ વાત કરવી છે. બોલ, ક્યાં અને ક્યારે મળવું છે?’

   ‘વર્ષા,   હું સ્કુલમાં નોકરી કરું છું.   કાલે રવિવાર છે.   એમ કર કાલે સાંજે મારે ત્યાં આવ.’

   ‘ના. પ્રકાશ બે દિવસ માટે બેંગલોર ગયો છે. તમે બધા ફેમિલી સાથે મારે ત્યાં આવો. નવી ઓળખાણ થશે. પ્લીઝ ના ન કહેતી.’

   ‘ઓકે. આવીશ.  સંજુ, ક્ષિતિજને લઈને આજે સવારે ખંડાલા ગયો છે. હું યે એકલી જ છું.’

   બસ અમે બન્ને એકલા જ હતાં.

   …..અને કેતકી આવી. હાઈસ્કુલની ઉછળતી કુદતી કેતકી બદલાઈ ગઈ હતી.  એનું પરાણે મોં પર ગોઠવેલું સ્મિત દબાવેલા દુઃખની ચાડી ખાતું હતું. ઔપચારિક વાતો દ્વારા વિતેલા સમયને વર્તમાન સૂધી ખેંચવા પ્રયત્ન  મેં નિષફળ પ્રયત્ન કર્યો.  આખરે સીધો જ પ્રશ્ન કર્યો.

   ‘કેતકી મંથનને શું થયું હતું.   આર યુ હેપ્પી?’

   કોઈ પણ જાતના અવાજ કે ડૂસકા વગર કેતકીની આંખમાંથી ગરમ રેલા વહેવા લાગ્યા. એના પંજામાં મારું કાંડું હતું. એના ડાબા હાથના અંગુઠો અને ચાર આંગળી એ લમણા દબાયલા હતા. ગરમ હાથની પકડ મજબુત હતી. નવાઈની વાતતો એ હતી કે બંધ આંખો પણ અશ્રુધાર વહાવતી હતી.  મને ખૂબ પસ્તાવો થયો.  અમારા કોમન ફ્રેન્ડ, એના ભૂતપૂર્વ પતિ મંથન વિષે મારે ન્હોતું પૂછવું જોઈતું હતું.

   કેતકી રડતી હતી. મેં એને રડવા દીધી. મારા હાથ પરનો પંજો ધીમે ધીમે ઢીલો થયો. મેં મારી ઓઢણીથી એની આંખો નૂછી. હાથ છૂટ્યો. મેં એને પાણી આપ્યું..

   ‘આઈ એમ સોરી કેતકી. મેં અજાણતામાં તારો કોઈ ઘા ખોટી રીતે ઉઘાડ્યો હોય તો માફ કરજે. ફરગેટ ઈટ.   સૌરભભાઈ ક્યાં છે?   એ તો એડવોકેટ થઈ ગયા હશે.   ક્યાં પ્રેકટિશ કરે છે?’

   ‘હું માંડીને વાત કરું. એમાં તારા સવાલોના જવાબ આવી જશે.’

   હવે કેતકી થોડી સ્વસ્થ હતી. તે સ્વસ્થતા પરાણે મેળવી હતી એ કોઈને પણ સમજાય એવું હતું.

   ‘તું તો હાઈસ્કુલ પછી બેંગ્લોર ચાલી ગઈ. હું અને મંથન આર્ટ્સમાં સાથે હતા. બસ લાંબી વાત લંબાવ્યા વગર ટૂંકમાં કહું તો પ્રેમ થયો. સૌરભભાઈને ખબર પડી. પહેલા તો મારા પર અને મંથન પર ખૂબ ગુસ્સે થયા. મંથન શાંત હતો. હું રડતી હતી. પછી તેઓ હસી પડ્યા. મને ચિડવવા ખોટું ખોટું ખિજવાયા હતા. અમને તેના આશીર્વાદ અને એપ્રુવલ મળ્યા.’

   ‘બસ, મુક્ત રીતે પ્રેમ પાંગર્યો. ગ્રેજ્યુએટ થયા અને સિવિલ લગ્ન કર્યા. મંથનના બા બાપૂજીને તો સંપૂર્ણ ધાર્મિક વીધિથી લગ્ન કરાવવા હતા.  શક્તિ પ્રમાણે સ્નેહીઓ સાથે લગ્નનો ઉત્સવ માણવો હતો. મને પણ ઈચ્છા હતી કે જીવનમાં એક વાર આવતા પ્રસંગને નવવધૂના શણગારમાં માણી લઉં. પણ મોટાભાઈ આધૂનિક વિચારના. રીત રિવાજોમાં માને નહીં. બસ કોર્ટ રજીસ્ટ્રેશનની ફીના ખર્ચામાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા. મોટાભાઈએ સારી જેવી રકમ ભેટ તરીકે આપી.’

   ‘મોટાભાઈ પર તેમના પ્રોફેસર પંડ્યાની ભારે અસર હતી. મોટાભાઈ પ્રખર રેશનાલિસ્ટ થઈ ગયા. વૈજ્ઞાનિક વિચારધારાના હિમાયતી. અમે પણ એના રંગે રંગાતા ગયા. એમણે એક ક્લબ શરુ કરી. માન્યતાઓ અને સત્યનું સંશોઘન કરતા. મહિઓનામાં એક વાર મળતા.  અંધશ્રદ્ધા અને સામાજિક  કુરિવાજો સામે બળવાખોર અને તેજાબી પત્રો કાઢતા. મંદિરો પાસે છોકરાંઓ પાસે વહેંચાવતા. મોટાભાઈને રેશનાલિઝમનો નશો ચડતો હતો. નથી ભગવાન કે નથી ભૂત. કર્મકાંડ એક પાખંડ છે.’

   ‘મંથન પોતાના વિચારોમાં મોટાભાઈ જેટલો જલદ ન્હોતો. બાને મંદિરે લઈ જતો. ભક્તિભાવ નહીં પણ યાન્ત્રિક રીતે મંથનના હાથ મૂર્તિ સામે જોડાઈ જતા. અને મોટાભાઈની ટિકાપાત્ર બનતો. એ ઉદારમતવાદી હતો. મોટાભાઈ પ્રભાવશાળી વક્તા હતા. એની સાથે વાત વિવાદમાં કોઈ ફાવતું નહીં.’

   ‘મંથન શરુઆતમાં એની સાથે ઘસડાયો, પણ એના વિચારોમાં ધીમે ધીમે એ સ્પષ્ટ થતો ગયો. ઈશ્વર, આત્મા-પરમાત્મા અને સામાજિક ધર્મનું પૃથ્થકરણ અને એની રીતે સંયોજન કરતો થયો. એ બાની ધર્મભાવના અને માન્યતા સામે હારતો ગયો. બાને દલીલોથી મુંગી  કરી શકવા જેટલું કઠણ હૈયું ન હતું. કારણકે બાને પ્રેમ કરતો હતો. મોટાભાઈ સાથે બધી વાતમાં સહમત ન હોવા છતાં એને પોતાનું દૃષ્ટિબીદુ સમજાવી ન્હોતો શકતો.’

   ‘હું પ્રેગનન્ટ હતી. બાની ઈચ્છા હતી કે ભલે પ્રણાલિકા પ્રમાણે શ્રિમંત સંસ્કાર ન કરીએ પણ આવનાર બાળકને માટે ઘરના સ્થાપેલા ભગવાનની વિધીપુર્વક પૂજા પ્રાર્થના તો કરીયે. હું અને મંથન આવી અર્થ વગરની ક્રિયા કર્મમાં માનતા ન હતા. મંથનને ચોખ્ખી ના પાડી દીધી. બા વગર બોલ્યે, વગર રડ્યે આંસુની ધાર વહાવતા રહ્યા. મારુ હૈયું હાથમાં ન રહ્યું. મંથનને માંડ માંડ પૂજા માટે સમજાવ્યો. મોટાભાઈ અમદાવાદ રેશનાલિઝમ સેમિનારમાં ગયા હતા.’

   ‘હું અને મંથન પુજા કરવા બેઠા. મોટાભાઈ એક દિવસ વહેલા  આવી ચડ્યા. સેમિનારની વાતો કરવા અમારે ત્યાં આવ્યા. પહેલા તો અદબ વાળી બેઠા. પછી તરત ઉઠીને ચાલવા માંડ્યું. બાએ કહ્યું ભાઈ જરા બેસો. બહેનને આશિર્વાદ આપીને અને પ્રસાદ લઈને જજો. એમને મૂર્તિપૂજા અને કર્મકાંડ પત્યે ભારે ધૃણા હતી.  વિવેકપંથી મોટાભાઈએ વાણી વિવેક ગુમાવ્યો. ભગવાનની પૂજાની ટિકા કરવા માંડી. બા બાપૂજીના અજ્ઞાનની મજાક કરવા માંડી.  મંથનને ટોણાં માર્યા.  જો તમે તમારા ઘરની વ્યક્તિઓને બદલી ન શકતા હો તો રૂઢીચુસ્ત સમાજને શી રીતે બદલી શકશો? ‘

   ‘મંથને કહ્યું મોટાભાઈ ‘પ્લીઝ આ પૂજા પુરી થવા દો, પછી આપણે નિરાંતે બધી વાતો કરીશું. બા બાપુજીની શ્રદ્ધા તમને કે મને નુકશાન કરનારી નથી. એમના આત્મ સંતોષની વાત છે. આપણે કોઈનું ટોર્ચરસ બ્રેઈન વૉશિંગ ન કરવું જોઈએ. પ્લીઝ તમે બહાર બેસો.’

   ‘મંથન આત્મ, આત્મા, પરમાત્મા, ભગવાન શેતાન પૂજા પાખંડમાં તું ક્યારથી માનતો થયો. તારા બા બાપૂજી તો મુર્ખ છે.’

   ‘પ્લીઝ મોટાભાઈ…પ્લીઝ ગો અવૅ નાવ…. મોટાભાઈની પૂજા બંધ કરાવવાની જીદ હતી. પૂજા કરાવનાર બ્રાહ્મણ ધૃજતા હતા. અને બન્નેએ નજીવી વાતમાં માનસિક સમતોલન ગુમાવ્યું. હંમેશા નમ્ર અને શાંત મંથનની આંખમાંથી જાણે અગ્નિવર્ષા શરૂ થઈ. તમારે આ પૂજાના રમકડાં ફેંકાવવા છે ને?   લો આ ફેંકી દઉં છું.’

   ‘નાની વાતમાં મંથન ઉશ્કેરાયો. મંથનના રૌદ્ર સ્વરૂપથી હું, બા, બાપુજી અવાચક થઈને કાંપતા હતા.’

   ‘એણેપૂજા સ્થાન પરની એક એક મુર્તિઓનો અને પૂજા સામગ્રીનો છૂટ્ટો ઘા મોટાભાઈના ચહેરા પર કરવા માંડ્યો. મોટાભાઈ આને માટે તૈયાર ન હતા. મોં લોહીલુહાણ થઈ ગયું. મેં અને બાપુજીએ મોટાભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા. મંથન દોડતો દોડતો પોલિસચોકી પર ગયો. એણે પોલિસ ઈનસ્પેકટરને કહ્યું મેં મોટાભાઈનું ખૂન કર્યું છે. પોલિસ તપાસમાં મોટાભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું. ના હું જિવતો છું. પૂજાની થાળ લઈને દાદર ચઢતાં પગ લપસ્યો અને પડી ગયો.’

   ‘સાત દિવસ પછી મોટાભાઈ એક આંખ ગુમાવી હોસ્પિટલમાંથી પાછા આવ્યા. જે દિવસે ભગવાનની મુર્તીઓ ફેંકાઈ તે દિવસથી બાએ અન્નજળનો ત્યાગ કર્યો હતો. આઠમે દિવસે બાએ દેહ છોડ્યો.’

   ‘મંથન ઘર છોડી ક્યાંક નાસી ગયો હતો. મિત્રો શોધખોળ કરતા હતા. એ ન મળ્યો.  મંથન ખોવાઈ ગયો હતો. બાનો અગ્નિદાહ બાપૂજીએ કર્યો. કોઈકે ભાળ આપી. મંથન જુહુથી દૂર એક બાંકડાની નીચે સૂઈ રહેતો કોઈએ જોય હતો. એની તપાસ આદરી. મોટાભાઈએ એક ટોળામાં એને જોયો. નજર મળી અને એ અદૃષ્ય થઈ ગયો.’

   ‘ત્યાંના ઝૂંપડાના સ્કુલમાં જતા છોકરાંઓ કહેતા હતા કે અંગ્રેજી ગુજરાતીમાં બોલતો હતો. ઝીણી રેતીમાં ચાર આંગળાઓથી અનેક કુંડાળા કરતો હતો. પછી બધા છોકરાઓને કહેતો જો કોઈ દિવસ સૌરભભાઈ આવીને કહે કે ભગવાન નથી તો કહેજો ભગવાન આ સર્કલમાં છે.’

   ‘તમને ખબર છે, ભગવાન કોણ છે?   ક્યાં છે? એ ગમે તે એક છોકરાને ઘણાં બધા કુંડાળાની વચ્ચે ઉભો રાખતો અને કહેતો આજે તું ભગવાન છે. આ બધા કુંડાળા ગેલેક્ષી છે. પછી એક કુંડાળામાંથી રેતીનો એક કણ લઈને કહેતો આ આપણો સૂર્ય છે. આપણો સન. કોઈક મોટા છોકરાને પૂછતો આ સનની આજુબાજુ પૃથ્વી ફરે છે તે તને દેખાય છે? એમાંથી મારા સૌરભભાઈ શોધી કાઢ. કોઈ તોફાની છોકરો પગ ફેરવીને કુંડાળા ભૂંસી નાખતો. એ માથે હાથ દઈને બેસી જતો.’

   ‘એક દિવસ મંથનની લાશ એવા વ્યવસ્થિત રચેલા કુંડાળાની વચ્ચે મળી આવી. તે જ દિવસે મારા ક્ષિતિજનો જન્મ થયો.’

   ‘પૂજાની આગલી રાતે અમે બેઠા હતા. એ મારા પેટ પર હાથ ફેરવતો હતો. તેણે મારા પેટ પર માર્કરથી મે કુંડાળા દોર્યા. કહ્યું જો એક વર્તુળ બ્રહ્માંડ છે. બીજું વર્તુળ પરમાણું છે. બ્રહ્માંડમાં અનેક ગેલેક્ષી આકાશ ગંગાઓ ફરતી રહે છે તેની મધ્યમાં એક પરમાણું હશે તે પરમાણુ ઈશ્વર હશે. આ વર્તુળ પરમાણું છે એના પ્રોટોન ન્યુટ્રોન ની આજુબાજુ ઈલેક્ટ્રોન ફરે છે. બ્રહ્માંડ એ તારા અંડમાં હતું. પરમાણું મારા શુક્રાણું હતું એમાંથી આપણે ઈશ્વરનું સર્જન કર્યું છે. એણે મારા પેટ પર ચુંબનોના પુષ્પો વરસાવી દીધા. હું એને સમજી શકી નહીં. એ મને સમજાવી શક્યો નહીં.’

   ‘બીજે દિવસે સાવ નજીવી વાતમાં, અર્થ વગરની ચર્ચામાં મંથને માનસિક સમતોલન ગુમાવ્યું. હુમલો થયો. ભાઈ ઘવાયા. સાસુજીએ દેહ ત્યાગ કર્યો. મારો મંથન ગાંડો થઈ કુંદાળા વચ્ચે મરી ગયો. હું એનું મોં પણ જોઈ ન શકી.’

   ‘વિધુર અને મારા કરતાં બાર વર્ષ મોટા, સંજય મારા પાડોસી હતા. એની બહેન કિરણ મારી ખાસ ફ્રેન્ડ છે. એણે મારા મોટાભાઈ અને બાપૂજીને વાત કરી. બાપૂજીએ તરત જ રડતી આંખે પ્રસ્તાવ સ્વીકારી લીધો. મોટાભાઈ બાપુજીને લાંબા થઈને પગે લાગ્યા, માફી માંગી.’

   ‘મારું સંતાન બાપ વગરનું ન રહે એ માટે મેં સંજય સાથે લગ્ન કર્યા. કોઈકવાર અમે મંદીરે પણ જઈએ છીએ. પણ અમારા ભગવાન ને માનસિક રીતે, મંથનના બે કુંડાળા વચ્ચે રાખ્યા છે.’

   ‘સંજય મને સમજે છે. ખૂબ પ્રેમ આપે છે. સાચા અર્થમાં પતિ પત્નીને બદલે અમે દોસ્ત છીએ. ક્ષિતિજના પિતા તરીકે સંજયનું નામ ચાલે છે. હવે મોટાભાઈ પોતાની રીતે જીવે છે. એમની માન્યતાઓમાં કશો ફેર પડ્યો નથી પણ એણે પોતાની માન્યતાઓ માત્ર પોતાને પુરતી સિમીત રાખી છે. સમાજ પરિવર્તનની ઘેલછા મગજમાંથી નીકળી ગઈ છે. વર્ષી તું ભગવાનમાં માને છે?’

   ‘હા. અમે ડોક્ટર છીએ. જેમ જેમ વિજ્ઞાન સમજતા થઈએ તેમ તેમ કોઈ અજ્ઞાત શક્તિ અને તેના વિશ્વસર્જન પ્રત્યે આદર વધતો જાય છે. ઘણું ઘણું સમજાતું નથી. મરીશું ત્યાં સૂધી સમજાશે પણ નહીં. સાહજિક જીવનનો આનંદ માનીયે છીએ. ધર્મના અંધકારમાં  ઊંડા ઉતરતા નથી. જો ઘર્મ અધર્મની વાતમાં ઉતરી જઈશું તો કલાકો સૂધી ભૂખ્યા મરીશું. વિશ્વનો સૌથી મોટો ધર્મ એ પેટપૂજા છે બધાજ રેશનાલિસ્ટો ભક્તિભાવ પૂર્વક પેટપૂજા કરે જ છે.’

   ‘ચાલ ખાવાની વાત કર મને તો ભૂખ લાગી છે. બોલ ઘરે તને ભાવતું કંઈક બનાવીએ કે બહાર હૉટલમાં જવું છે?’

   ‘આપણી હાઈસ્કુલ પાસેની રામભરોશે હિન્દુ હોટલમાં.’

   ‘લેટ્સ ગો.’

8 responses to “મંથનના વર્તુળો વાર્તા#૬૬

  1. Pingback: મંથનના વર્તુળો વાર્તા#૬૬ | પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો

  2. પ્રદીપ નગદીયા March 2, 2016 at 10:32 PM

    વિશ્વનો સૌથી મોટો ધર્મ એ પેટપૂજા છે બધાજ રેશનાલિસ્ટો ભક્તિભાવ પૂર્વક પેટપૂજા કરે જ છે.
    અને જેમ જેમ વિજ્ઞાન સમજતા થઈએ તેમ તેમ કોઈ અજ્ઞાત શક્તિ અને તેના વિશ્વસર્જન પ્રત્યે આદર વધતો જાય છે. ઘણું ઘણું સમજાતું નથી. મરીશું ત્યાં સૂધી સમજાશે પણ નહીં.

    જસ્ટ અદ્દભુત, શાસ્ત્રીજી.👍👍👍

    Liked by 1 person

  3. pravinshastri August 10, 2014 at 11:11 PM

    Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:

    શું આપણે આપણાં કરતાં જુદી વિચારધારાથી જીવતાં માનવો પ્રત્યે સહિષ્ણું થવું જ જોઈએ? તમારી વૈચારિક સ્વતંત્રતા ઝૂંટવી લેનાર બળાત્કારીનું આધિપત્ય સ્વીકારવું ઓઈએ? માત્ર એક ગુંચવતો પ્રશ્ન..

    Liked by 1 person

  4. pravinshastri November 16, 2013 at 8:44 PM

    આજકાલ રેશનાલિઝમ પણ એક ધર્મ જ બનતો જાય છે. અન્ય વિચારધારાના દબાણ વગર સૌ પોતપોતાની રીતે જીવે એ જ યોગ્ય કહેવાય.
    મજામાં છોને?
    પ્રવીણ શાસ્ત્રી.

    Liked by 1 person

  5. pravinshastri November 16, 2013 at 8:38 PM

    આજકાલ રેશનાલિઝમ પણ એક ધર્મ જ બનતો જાય છે. બુદ્ધિ અને પરંપરાગત ઇશ્વર પ્રત્યેની ભાવનાઓ વચ્ચે દ્વંદ ચાલતું રહે છે. બસ મારો મત જીવો અને જીવવા દો.

    Like

  6. mdgandhi21,U.S.A. November 16, 2013 at 8:27 PM

    માણસ પોતે ધારે તો પણ પોતાને બનાવી શકતો નથી, પણ સંજોગજ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે અને તમે ઈચ્છોકે ન ઈચ્છો પણ, તમારી ડોર એ માત્ર ભગવાનના હાથમાંજ છે….

    Like

  7. pravinshastri November 15, 2013 at 11:49 AM

    દવડાસાહેબ, આપે મારા કરતા વધારે દિવાળી જોઈ છે. વિચારો પણ સંકલીત કરીને લખો છો. મારે યોગ્ય સૂચન હોય તો માર્ગદર્શન પણ કરતા રહેજો. સાદર વંદન.

    Like

  8. P.K.Davda November 15, 2013 at 11:00 AM

    તમારી બધી વાર્તાઓની જેમ આ વાર્તા પણ બહુ સરસ છે. પાત્રોનું વર્ણન પાત્રોને જીવતા કરે છે.આખી વાત જાણે આપણી નજર સામે બનતી હોય એવું લાગે છે.

    Like

Leave a comment