POST 107
કૉલ્ડ ફીટ
વાર્તા ૭૪
નરેન્દ્ર અને નિરાલી બેન્ક્વેટ હોલમાં દાખલ થયા અને આખો હોલ ‘સરપ્રાઈઝ‘ના ઉત્તેજીત અવાજ થી ગાજી ઊઠ્યો. હૉલનો માહોલ જોતાં નિરાલીની આંખોએ પોતાને માટેની સર્પ્રાઈઝ બર્થડે પાર્ટી ઉપરાંત કંઈક વિશેષ સરપ્રાઈઝ હવામાં હોય એવું અનુભવ્યું. ‘હેપ્પી બર્થડે નિરાલી‘ ઉપરાંત, ‘નિરાલી એન્ડ નરેન્દ્ર‘ ના બેનર્સ પણ જ્યારે તેણે જોયા ત્યારે એ કંપી ગઈ. એ નરેન્દ્રથી છૂટી પડી. થોડી સ્વસ્થતા કેળવી અને મિત્રોને ઔપચારિક રીતે મળવા લાગી.
આખો બેન્ક્વેટ હૉલ ચિકકાર હતો. લાઈવ બેન્ડ ધીમા રોમૅન્ટિક સૂરો વહાવતું હતું. એપેટાઈઝરના જુદા જુદા કાઉન્ટરો પર નાના મોટા ટોળામાં આમંત્રિત મહેમાનો વિવિધ વાનગીઓનો રસાસ્વાદ માણતા હતા. નરેન્દ્ર અને નિરાલી, મિત્રોને મળતા, “થેન્કસ ફોર કમીંગ”, “આપ આમંત્રણને માન આપી પધાર્યા તે ઘણું ગમ્યું.” “આપની હાજરી વગર તો કોઈ પણ પાર્ટી શોભે જ નહીંને!” “આપનો ઘણો આભાર.”, “આપણે તો જૂના મિત્રો. તમારે તો આવવું જ પડે.”
નરેન્દ્ર અને નિરાલી જૂદા જૂદા ખૂણાઓ પર અલગ અલગ મિત્રોને હસીને આવકાર આપતા, સ્વાગત કરતા. કોઈ એક સાથે ઉભા રહીને લાંબી વાત કરવાનો તેમને સમય ન્હોતો. નિરાલીની ઇચ્છા પણ ન હતી. શણગારેલા સ્ટેજ પર. મોટો વીડિયો સ્ક્રીન હતો. વીડિયો સ્ક્રીન પર ગુજરાતી અંગ્રેજીમા નામો ઝબૂકતા નરેન્દ્ર / નિરાલી. ક્યારેક સ્ક્રીન પર બન્ને ટેનિસ રમતા દેખાતા. ટેનિસ પછીનું હસ્તધૂનન કે હગીંગ દેખાતું કે મોટર બાઈક પર નરેન્દ્રને વળગીને બેઠેલી નિરાલી દેખાતી હતી.. જેમ જેમ સ્કિન પર નજર પડતી તેમ તેમ નિરાલી માનસિક અકળામણ અનુભવતી હતી.
તસ્વીરમાં મઢાયલી, બન્નેના મૈત્રી સમયની મધુર ક્ષણોની આછી ઝલકને આમંત્રિતો બિરદાવતા હતા. બેન્ડની નજીક કેટલાક દંપતી બોલરૂમ ડાન્સનો આનંદ માણતા હતા તો કેટલાક ઓપન બારનો કેફ મગજમાં ઉતારતા હતા. સભ્ય સમાજના આમંત્રીત મિત્રો, સેમી ફોર્મલ અને ફોર્મલ પરિધાનમાં શોભતા હતા.
નિરાલીની આ સરપ્રાઈઝ બર્થડે પાર્ટી હતી. એના ખાસ ફ્રેન્ડ, ના બૉયફ્રેન્ડ નરેન્દ્રએ યોજી હતી. મોટા ભાગના મિત્રો નરેન્દ્ર અને નિરાલીના ખાસ મૈત્રી સંબંધોથી અજાણ ન હતા.
નરેન્દ્ર…એટલે ખરેખર તો નરેન્દ્રસિંહ. સૌરાષ્ટ્રના ઘસાઈ ગઈલા પણ ગર્વીલા રજવાડી ખાનદાનનો નબીરો. ચૌદ વર્ષની ઉમ્મરે કાકા કાકી સાથે અમેરિકા આવ્યો. સ્કુલમાં દાખલ થયો. તે સમયે એને કોઈ ચૌહાણને બદલે ચૌહાન કહે તે ગમતું ન હતું. એટલે એ બધાને NC . નામ આપતો. NC ક્રિકેટ ભૂલીને બેઝબોલ રમતો થયો. કબડ્ડીને બદલે ફૂટબોલ રમતો થયો. બધાના હોઠ પર એનું નામ રમતું. ટોલ, ડાર્ક અને હેન્ડસમ હતો. છોકરીઓના હોઠ એને ચૂમવા તરસતા હતા. માત્ર એક ઈન્ડિયન છોકરીને, ના માત્ર ઈન્ડિયન જ નહીં…ઈન્ડિયન ગુજરાતી છોકરીને એની પડી ન્હોતી. અને એ હતી નિરાલી.
નિરાલીની મમ્મી નર્સ હતી. ડિવૉર્સી હતી. એકલે હાથે નિરાલીને ઉછેરતી હતી. નિરાલીને બાપની અટક આપવાને બદલે માની અટક ‘મહેતા‘ આપી હતી. હા એ નિરાલી મહેતા હતી.
ચૌદ વર્ષનો તરવરિયો ટીનેજર પુખ્ત અઢારનો લાગતો હતો. ડાર્ક, ટોલ એન્ડ હેન્ડસમ. બેઝ્બૉલ રમતો પણ એને ફૂટબૉલ વધારે મર્દાનગી રમત લાગતી અને ગમતી. નરેન્દ્ર અને નિરાલી, ટીપીકલ બોલિવુડના હિરો-હિરોઈનની જેમ પરસ્પરની શરુઆતની બાહ્ય અવગણના પછી એકબીજાને ગમવા લાગ્યા. નિરાલી સુંદરી હતી. નિરાલી સ્માર્ટી હતી. નિરાલી માનુની હતી. નિરાલી બ્લેક બૅલ્ટ હાઈ કિક કરાટે ચેમ્પ હતી. નિરાલીને ટેનિસ રમવાનું ગમતું હતું. નિરાલી ગુજરાતી હતી. અમેરિકામાં જન્મી હતી. બન્ને ટીનેજ હતા. લવ શબ્દ સૂધી પહોચવાની વાર હતી. લાઈક યુ, લાઈક યુ લાઈક યુ; કરતા કરતા સાથે હરતા, ફરતા, રમતા શાળા જીવન પુરું થયું. નિરાલીએ અભ્યાસ ચાલુ રાખ્યો. નિરાલી મહેતા એમ.ડી. થઈ ગઈ.
હેન્ડસમ સ્પોર્ટ્સમેન નરેન્દ્રના ગ્રહો યુનિવર્સીટી, બુક્સ, લેકચર્સ, ટેસ્ટ, સાથે મળતા ન આવ્યા. હાઈસ્કુલમાં હતો ત્યારેતો નિરાલી દોસ્તીદાવે એનું હૉમવર્ક કરી આપતી. પણ નિરાલી બીજા સ્ટેટની યુનિવર્સિટીમાં ચાલી ગઈ. નિરાલી ફોન, કોમ્પ્યુટર દ્વારા સમયાનુસાર એના સંપર્કમાં રહેતી. લોંગ ડિસ્ટન્સ દોસ્તી ચાલુ રહી. વેકેશનમાં આવતી અને સારો જેવો સમય નરેદ્ર સાથે ગાળતી. મિત્ર તરીકે સલાહ આપી હતી કે ‘નરેન તું થોડો અભ્યાસ કર, કોલેજ જા. કોલેજની ફુટબૉલ ટીમમાં પ્રવેશ કર. પણ એને ન ફાવ્યું. અભ્યાસ અને સ્પોર્ટસ બન્નેમાં નિષ્ફળ ગયો.
એને પણ નરેન્દ્ર ગમતો હતો.
નરેન્દ્ર એ ‘ગમવાને‘ પ્રેમ સમજ તો હતો. બસ, ભણવાનું છોડી, ટ્રાવેલ એજન્સીમાં નોકરીએ લાગી ગયો. એજ અરસામાં કાકા કાકી પરલોક સિધાવ્યા. નરેન્દ્રબાપુને એકમાત્ર વારસદાર તરીકે સારો લાભ થયો. એણે પોતાની ટ્રાવેલ એજન્સી શરૂ કરી. બસ જામી ગયો. ઘંધામાં સરસ જામી ગયો.
પૈસા, પ્રસિદ્ધિ અને યુવાનીએ નરેદ્રની વારસાગત બાપૂગીરીને બહેકાવી. મને જે ગમે તે મારું, એ વૃત્તિનો ધૂમાડો મગજમાં ભરાઈ ગયો. નિરાલી એને ગમતી હતી. માત્ર ગમતી જ નહીં. એના પર એનો જ અધિકાર છે એમ માનતો થઈ ગયો હતો. નરેન્દ્ર લાઈકને લવ સમજતો, અને લવ એટલે લગ્ન જ, એવું માનતો દેશી જ રહ્યો હતો. નિરાલીના દોસ્તી, પ્રેમ અને લગ્ન અંગેના ખ્યાલો પણ નિરાળા હતા. સ્પષ્ટ હતા.
અને નિરાલીના વેકેશનની એક સાંજે ….નિરાલી લાયબ્રેરીમાં વાંચતી હતી ત્યાં નરેન્દ્ર ટપકી પડ્યો.
‘નિરુ, માઈ ડાર્લિંગ, આઈ લવ યુ.‘
‘આઈ લવ યુ ટૂ‘ ને બદલે નિરાલી તરફથી પ્રત્યુત્તર મળ્યો. ‘આઈ નૉ ડિયર.‘
‘આઈ વોન્ટ ટુ મૅરી યુ.‘
‘વ્હોટ્?’
‘બસ આપણે લગ્ન કરી લઈએ‘
‘મેં વિચાર્યું નથી. હજુ મારે બે વર્ષ ભણવાનું બાકી છે. લગ્નનું પછી વિચારાશે. અત્યારે તો બહુ ભુખ લાગી છે, આઈ એમ હન્ગ્રી. લેટ્સ ગો. ચાલ પિત્ઝા ઝાપટીએ. ઈટ્સ ઓન મી.’ બન્ને લાયબ્રેરીની બાજુમાં જ આવેલા પિત્ઝા હટમાં પહોંચી ગયા. નરેન્દ્ર વાતો કરતો રહ્યો. નિરાલીનું મોં આહારથી ભરાયલું રહ્યું. નરેન્દ્રની વાતોમાં વચ્ચે વચ્ચે નિરાલીનું હં…હં હં…ફાઈન…વાઉવ…સંભળાતું. અને ખરેખર નિરાલી, નરેન્દ્ર વૉલૅટ કાઢે તે પહેલા તો જાતે કાઉન્ટર પર પહોંચી ક્રેડિટકાર્ડ દ્વારા બીલ ચૂકવી દીધું. સી યુ. ટુમૉરો. કહેતી લાયબ્રેરીના પગથીયા ચડી ગઈ.
બે વર્ષ દરમ્યાન બન્નેની દોસ્તી ચાલુ રહી. વાતો વહેતી રહી. નરેદ્ર પ્રેમ ગીતો ગાતો રહ્યો. કાનમાં લગ્નની શહેનાઈના સૂરો કાલ્પનિક સૂરો વહાવતો રહ્યો. એને પત્ની જોઈતી હતી. પત્ની તરીકે નિરાલી જ જોયતી હતી. નિરાલી સુંદર હતી. નિરાલી ડોક્ટર હતી. એ નિરાલી ડોક્ટરને ખરીદવા માંગતો હતો. નિરાલીને પણ ધણા મિત્રો હતા. નરેન્દ્ર ખાસ મિત્ર હતો. ફ્રેન્ડ હતો. સામાજિક દૃષ્ટિએ ‘બોય ફ્રેન્ડ‘ હતો. નિરાલી ‘લગ્નનો વિચાર જ નથી‘ એવું જણાવતી રહી. મૈત્રી સાચવીને લગ્નની વાત ટાળતી રહી. નિરાલી એની મમ્મીના લગ્ન પહેલા ઉદરમાં વિકશી હતી. મમ્મીના લગ્ન પછી તરત જન્મી હતી. એની બીજી બર્થડે વખતે મમ્મી ડેડીએ ડિવૉર્સ લઈ લીધા હતા.
નિરાલીને લગ્ન સંસ્થા પર ભરોસો ન હતો. લગ્ન એટલે પતિનું વર્ચસ્વ. પતિનું ડૉમિનેશન. લગ્ન એટલે પતિને સેક્સનું લાયસન્સ. લગ્ન એટલે પતિની કામવાળી. નિરાલી એ ચોખઠામાં પોતાની જાતને ગોઠવવા ન્હોતી માંગતી. નિરાલીને બંધન મુક્ત મૈત્રી ખપતી હતી. જીવનભર સ્વતંત્ર ઉડાનમાં માનતી હતી. એ સ્માર્ટ હતી. ડોક્ટર હતી. કારકીર્દી એની પ્રથમ પસંદ હતી. એને માટે નરેદ્ર મિત્ર હતો. લોકદૃષ્ટિએ બોયફ્રેન્ડ હતો. પૌરુષત્વ સભર હતો. મમ્મીએ પણ તેને એકવાર સૂચવ્યું હતું. “ઈફ યુ લાઈક હીમ…..” યસ એને નરેન્દ્ર ગમતો હતો પણ પોતે પોતાની જાતને નરેન્દ્રની પત્ની તરીકે ગોઠવી શકતી ન હતી.
નરેન્દ્ર આખરે તો રજવાડાની સંસ્કૃતિમાં જન્મેલો હતો. નિરાલીના ફાયનલ ગ્રેજ્યુએશન વખતે તે આવ્યો હતો. બે અઠવાડિયા સાથે રહ્યો હતો. નિરાલીના ભાવી પતિ તરીકેનું ચિત્ર છોડતો ગયો હતો.
કહ્યું હતું ‘લગ્ન પછી તારે જે રીતે આગળ વધવું હોય તે રીતે આગળ વધવાની છૂટ છે‘ અને નિરાલીને આજ વાંધો હતો. સ્વતંત્ર જીવનમાં કોઈની પાસે છૂટ લેવાની ન હતી. લગ્ન જીવનમાં છૂટ જાતે લેવાતી નથી. કોઈક આપે તો આભારવશ થઈને લેવાની હોય છે. અને પતિએ આપેલી છૂટમાં ધન્યતાનો ઓડકાર માનવાનો હોય છે.
આજે નરેન્દ્રએ નિરાલીની બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. પણ પાર્ટીની હવા કંઈક જુદી જ હતી.
અને જેની રાહ જોવાઈ રહી હતી તે નોરાલીના મમ્મી પાર્ટી હોલમાં આવી ગયા. સાથે હોસ્પિટલના ચીફ સર્જન હતા. મમ્મીએ દીકરીને ગાઢ આલિંગન આપ્યું. મમ્મીએ દીકરીને કાનમાં કંઈક કહ્યું. સાથે આવેલા ડોક્ટર અંકલે નિરાલીના કપાળ પર ચુંબન કરી આશીર્વાદની મહોર લગાવી. અને ડ્રમ રોલ સાથે ડી.જે એ નરેન્દ્ર અને નિરાલીને સ્ટેજ પર આવવા આમંત્રણ આપ્યું.
બન્ને સ્મિત વદને હાથમાં હાથ પરોવીને સ્ટેજ પર આવ્યા. હોલની લાઈટ ઝાંખી થઈ. એક કાર્ટ પર મિણબત્તી તેજ શીખા વાળી મોટી કૅક આવી. આમંત્રીત સ્નેહીઓએ બેન્ડના સૂરમાં સૂર મેળવી હેપી બર્થડે ગાયું. બે આંગળીના ક્રોસ સાથે મનની ઈચ્છા મનમાં રાખી નિરાલીએ મિણબત્તીઓ એક જ ફૂકમાં બૂઝવી. તાળીઓના ગરગડાટ વચ્ચે કૅક કપાઈ. પહેલો ટુકડો નિરાલીના મુખમાં નરેન્દ્રએ મીક્યો. અને નિરાલીના હોઠ પર નરેન્દ્રના હોઠ ચંપાઈ ગયા…નિરાલીને વાંધો ન હતો….
નરેન્દ્રએ ગજવામાંથી નાનું લાલ બોક્ષ કાઢ્યું. નિરાલીની અપેક્ષિત ઘડી સાકાર થતી હતી. નરેદ્રનું એક ઘૂંટણ ફ્લોર પર ગોઠવાયું. નિરાલી ઉંચું જોઈને સ્ટેજ પર લટકતા ઝુમ્મરને ટાંકી રહી. બધા એકી સાથે નરેન્દ્ર નિરાલીને આતુરતાથી જોઈ રહ્યા હતા.
“નિરાલી, આઈ લવ યુ…આઈ વોન્ટ યુ…આઈ નીડ યુ…વીલ યુ મેરી મી?
અને મિત્રોએ હોલ ગજવી મુંક્યો ‘સે યસ‘ ‘સે યસ‘ ‘સે યસ‘ ….તાળીઓ પડતી રહી…
એક ક્ષણ…બે ક્ષણ. ત્રણ ક્ષણ.. સેકન્ડ કાંટો ફરતો રહ્યો. પોતાના વિચારો, પોતાની માન્યતાઓ નરેન્દ્રના પ્રેમની અગ્નિ જ્વાળામાં ભસ્મિભૂત થતા દેખાયા…એક મિત્રને પતિ બનાવ્યા પછી એ મિત્ર રહેશે?…સમાજમાં ઘણા સ્ત્રી પુરૂષો, પતિ પત્ની બન્યા પછી જ મિત્રો બને છે. એજ આદર્શ છે. શું પોતે એને માટે માનસિક રીતે તયાર છે? નિરાલી લટકતા ઝુમ્મરને તાકતી રહી. આંતરિક સ્વેદના રેલા પગને ભીંઝવવા માંડ્યા.
આખા હોલમાં ઉત્તરના વિલંબથી સન્નાટો છવાઈ ગયો હતો…તાળીઓ બંધ થઈ. સે યસના ચીયરસ્ બંધ થઈ ગયા.
પગની પાટલી ઠંડા પસીનાથી ભીંજાતી હતી. નયનો ગાલ પર ગરમ અશ્રૃ વહાવતા હતા. ઝુમ્મરપર મંડાયલી આંખો નીચી થઈ. મમ્મીના ચહેરા પર સ્થિર થઈ. મમ્મીની આંખોએ જવાબ આપ્યો ‘સે યસ‘. નિરાલીના નયનો બિડાયા. બે બચેલા અશ્રૃબિંદુ નરેન્દ્રના હાથ પર પડ્યા. એણે બંધ આંખો સાથે નરેન્દ્રને ઉભો કર્યો.
માય ફ્રેન્ડ, આઈ લવ યુ…આઈ વોન્ટ યુ…આઈ નીડ યુ. આઈ નીડ યુ એઝ માય ફ્રેન્ડ. દોસ્ત, આપણી દોસ્તીને હું કોઈ સગપણથી બાંધવા માટે હજુ તૈયાર નથી. પત્નીના સંબંધથી તારા જીવનમાં પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વને ઓગાળીને તારામાં સમાઈ જાય, એવી વ્યક્તિની તને જરૂર છે. મને ભય છે કે તારા માનસિક ચોખટામાં હું પત્ની તરીકે ફીટ ન થાઉં. શું લગ્ન સંબંધ વગર આપણે મુક્તપણે સહજીવન ન જીવી શકીયે? આઈ લાઈક યુ. આઈ લવ યુ માય ફ્રેન્ડ નરેન્! કેન વી લીવ એઝ ડૉમેસ્ટિક પાર્ટનર?
નરેન્દ્ર સ્મિત સહીત સ્થિર નજરે બંધ આંખો સાથે બોલતી નિરાલીને પીતો હતો. એણે હળવે પણ મક્કમ અવાજે જવાબ આપ્યો. “સ્યોર. આઈ લવ યુ. આઈ વિલ બી યોર ફ્રેન્ડ ફોર રેસ્ટ ઓફ માય લાઈફ.”
નિરાલીની આંખો ઉઘડી. “નરેન, લેટ્સ ડેન્સ.”
Like this:
Like Loading...
Related
મુ.શ્રી વિનોદભાઈ સાદર આભાર.
LikeLike
સ્વતંત્ર મિજાજની નિરાળી નિરાલીને નરેન બાપુએ ટેક ફોર ગ્રાન્ટેડ કરેલી એટલે એણે તો માની જ લીધેલું
કે એ લગ્નની દરખાસ્તને માની જશે પણ નિરાલીને લગ્નના બંધનમાં આખી જિંદગી પસાર
કરવાનું મંજુર ન હતું . નિરાલીનું પાત્ર તમારાં શ્વેતા જેવાં બીજાં સ્ત્રી પાત્રોની જેમ
તમોએ સરસ રીતે ઉપસાવ્યું છે અને નવા યુગની સ્ત્રીઓ કેવી હોય છે એ બખૂબી બતાવ્યું છે .
વાર્તાનું કોલ્ડ ફીટ શીર્ષક ખુબ જ ઉચિત છે જેનો અણસાર તમોએ આ વાક્યમાં આપી દીધો છે .
“પગની પાટલી ઠંડા પસીનાથી ભીંજાતી હતી”
વાર્તા સ-રસ એટલે કે ખુબ રસિક છે . વાર્તાઓ માટેની સંવાદો સભર તમારી હથોટી મને ગમે છે .
LikeLike
THANKS PRAVINAABEN.
સાચું કહું તો હવે મને આપના પ્રતિભાવનું વ્યસન થઈ ગયું છે. આપના અભિપ્રાયથી શેર લોહી ચડે છે. બહેન વાંચતા રહેજો.
LikeLike
બંને જણાની ખેલદિલી પ્રશંશનીય છે. સારી વાર્તા.
LikeLike
મારા આપને હાર્દિક વંદન.. આપણે સમવયસ્ક છીએ એટલે નજર અને જીવન અનુભવો પણ લગભગ સરખાજે હોવાના. તમારા બધા જ લેખો અને વિચારો સમાન જ હોવાના, પ્રતિભાવ બદલ આપનો આભાર.
LikeLike
મારા “લગ્ન” વિષય ઉપર લખાયલા લેખને તમારી આ વાર્તા સમર્થન આપે છે.
વાર્તા સરસ છે.
LikeLike