Niketa Vyas 

મલાજો 

આખી ચાલી ઠસોઠસ ભરાઈ ગઈ હતી. કાલ સાંજથી હિંમતભાઈના ઘરે અવરજવર વધી ગઈ હતી. બપોરથી સાંજના સાત સુધીમાં તો ડો. પંચોલી બે વખત આવીને ગયા હતાં. મણીબહેન આમ તો ગજબના કાઠા વાળા, તાવ- તરીયાને આમતો ગાંઠે નહિ. પણ કોણ જાણે શું થયું હતું તે દસ દિવસથી પથારી ભેગાં હતાં….કોઈ ભૂવો, મહારાજ, કે ડોક્ટર નાડ પારખી શકતું નહોતું.

આજે સવારથી મણીબહેનની તબિયત પહેલાં કરતાં વધું બગડી હતી. રોજ તો ઘૂંટડા ચા ના અને બપોરે ગરમ રાબના હર્ષાવહુના હાથે મનેકમને પીતા. પણ આજ સવારથી તો કશુંજ ગળા નીચે ઉતરતું નહોતું. સાંજ સુધીમાં તો મણીબેનની આંખો ઊંડાણે ઉતરી – જીવ શિવ સાથે વાતો કરતો હોય એમ, સાવ શાંત થઇ ગયા હતાં. શ્વાસોની ઘરડ છાતીની ઉંચનીચના લય સિવાય પમાતી નહોતી. ચાલીમાં સાવ સોપો પડી ગયો હતો. યમરાજ જાણે દરેક ઘરે અળખામણા પરોણા થઇ ડેલીએ હાથ ના દઈ ગયાં હોય! બધાં થોડી થોડી વારે મણીબહેન ની ખબરઅંતર લઇ આવતા ને સાથે કંઈ જોઈતું કરાવતું હોય તો કહેજો ની ઔપચારિકતા દાખવી આવતાં હતાં. રાત્રે વાળુટાણે ચાલીના બૈરાઓએ ભેગાં થઇ હર્ષાવહુને ચૂલો સળગાવવાની મનાઈ કરી ને ઝપાટાભેર ચાલી આખી માટે સાદી ખીચડી – બટાકા રીંગણાનું શાક અને છાસની વ્યવસ્થા કરી દીધી હતી. છોકરાઓ તો એમની રમતમાં મશગુલ હતાં, અબુધોને ક્યાં ખબર હતી કે મણીબા સાવ શિવની નજીક …..એ તો આ અવરજવરને મંગલપ્રસંગ તરીકે જ જોતાં હતા. સ્કૂલમાંથી અડધા દિવસની છુટ્ટી અને કાલે કદાચ નહિ આવે એવું ટીચરને પહેલેથી જ કહીને ઘરે લઇ આવ્યાં હતા એટલે જલસો જ તો વળી. એમાંય પાછાં ચાલીના કોક કોક જણ બે પાંચ રૂપિયા પકડાવી નાકા પર મનીયાના સ્ટોર પર મોકલતા,” જાવ, બિસ્કીટ ચોકલેટ જે જોઈએ તે લઇ આવો.” કે “ લે, જાવ ઠંડુ પીતાં આવો. પણ અહીં ભૈસાબ બોલ બેટ લઇ ઉધામા નાં મચવો.” કહી ઘરથી દુર રાખવાનો પ્રયત્ન કરતાં. હિંમતભાઈ હિંમત ગુમાવી ચુક્યા હતાં , ને નરેશ સાવ બઘવાઈ ગયો હતો. હર્ષાવહુને અત્યારે આવા ધખારા પાલવે એમ નહોતા. એ બિચારી હતી એટલી હિમત અને જોમ જાતને અને આ બે ઉપરાંત સામાજિક જવાબદારીઓને સાંભળવામાં મશગુલ હતી. વચ્ચે વચ્ચે એકાદ ડૂસકું સાડલાના ડુંચા નીચે કાઢી મનનો બોજ ઉતારતી. છાનું રડીરડીને આંખો કપાળના ચાંલ્લા જેવી થઇ ગઈ હતી.

ખાવાનું તૈયાર થતાંજ ચાલીના છોકરાઓ અને મોટી ઉંમરના વડીલોને પહેલી પંગતે બેસાડી દીધાં. પછી પુરુષોની પંગત ને હંમેશની જેમ બૈરા સાવ છેલ્લાં. હર્ષાવહુએ અમુક બૈરાને અંદર અંદર વાતો કરતાં સાંભળ્યા કે આ રસોડું પતે તો સારું, જો માજીએ આંખો મીંચી તો વાળું ભેળા નહિ થવાય ને હજું તો વાસણો ઉડકવાના. એ પછી પાણીની ડોલો કોના કોના ઘરેથી લાવીશું ની ચર્ચા ચાલી. સૌ એકબીજાને પોતાના ઘરે કેટલું ઓછું પાણી બચ્યું છે ને હજુ ક્યારે પાછું પાણી આવે કે નાં પણ આવે ની વાતોમાં પરોવાયેલાં હતાં. હર્ષાને થોડું અજુગતું લાગ્યું સમય ને સંજોગો પ્રમાણે, પણ એ સમજતી હતી આ હાડમારીને. આટલાં બધાની રસોઈ, પછી એટલાંજ વાસણો ઉટકવાના, તેય પાછી જઈતઈ થી પાણીની ડોલો માંગીને ભેગી કરવાની. આ બે દિવસથી કોર્પોરેશનનો નળ કોરોકાટ્ટ હતો. હશે, બિચારીઓ એય એમનો બળાપો કાઢે છે વિચારી હર્ષા હિંમતભાઈ અને નરેશને જમવા માટે વિનવવા બેઠી. બન્નેવ આનાકાની પર મક્કમ તોયે સમજાવીને પરાણે બે ચાર કોળિયા ઉતારાવડાવ્યાં. હજુ પુરુષોની પંગતે અડધું જમવાનું ઉતાર્યું ત્યાતો અંદરથી રાડ સંભળાઈ. નરેશની જ હતી કદાચ…..હર્ષાને ધ્રાસકો પડ્યો અને ગઈ હાથમાં ઝાલી’તી તે છાસની દોણી….ટનનનન નો રણકાર સ્તબ્ધ થયેલ સહુને જગાડી ગયો. હર્ષા દોડી સીધી પરસાળે. નરેશ જ હતો. ને બાના પગ પાસે હિંમતભાઈ ઠુંઠાવો મૂકી આક્રંદ કરતાં હતા. હવે હર્ષા થી ના રહેવાયું. એટલો સમય પાંપણે પખાળીને રાખેલ આંસુ બેફામ રુદન સ્વરૂપે નીતરી રહ્યાં. માં સમાણી સાસુ, એની બા અચેત સાવ લાગતાં હતાં. “ઓ માજી રે રે રે એ એ એ…” ની પોકે બહાર હતા એ બધ્ધાં અંદર દોડી આવ્યાં. ત્રણેવ ને સાચવવા મુશ્કેલ બન્યું હતું. બૈરાએ માંડ હર્ષાને સમજાવી.” બોન, તું આવી ઢીલી ગાભા જેવી થઈશ તો આ તારા બાપુજી અને નરેશને કોણ સંભાળશે? છોકરાવ નું શું?”, “ હિમત રાખ મારી બેન, જો આ લોકોના મોઢાં સામે તો જો…આ છોકરાવ પણ અસ્ટાઈ ગયાં છે જો. ચાલ હવે રડવાનું બંધ કર.” અસર આની નહીવત થતી હતી ને બોલ બધાં હર્ષાને કાને અફળાઈ ઠાલાં પાછા વળતાં હતા. પુરુષો પણ હિમતભાઈ અને નરેશને સાંત્વના આપતા હતા. ત્યાં કોઈકે મમરો મુક્યો કે, “ લ્યા, કોક પંચોલી સાહેબને તો બોલાવો. એમણે જોવા તો પડશે જ ને માજીને.” ને શીવાકાકાનો મનીષ સ્કુટર લઈને ભાગ્યો ડો. પંચોલીને લેવા. સૌ અવાચક થઇ ગયાં હતા. ને ઘરમાં બેઠેલ સૌની આંખો નીતરતી હતી. બા ગયા ની કલ્પના જ સુરજ વગરની સવાર જેમ હતી. મણીબેન સૌના લાડકા અને માનીતા હતા. હાસ્ય જાણે કાયમી મહેમાન થઇ ચીટકી ગયું હતું ચહેરે. સવાર પડે ને ચાલીમાં એમનો સુરીલો કંઠ સરસ મઝાના પ્રભાતિયા રેલાવતો. બપોરે બેઠા હોય તો કોકની પાપડી – ચોળી ફોલી આપતા કે બે ચાર ઝૂડી ભાજી ધાણાની સમારી આપતા. કોકના નાના ટાબરિયા રડતા હોય તો સહજ રીતે સાચવે જેથી વહુવારું કામ આટોપી શકે. હર્ષાવહુને તો અદકેરા લાડ લડાવતા. સાત વર્ષના લગ્ન જીવનમાં માંડ સાત વાર હર્ષા પિયર ગઈ હશે. જેટલું એને મણીમાં સાથે ફાવતું એટલું પિયરીયા જોડે નો’તું ગોઠતું. ચાલીને નાકે જ કોર્પોરેશનો નળ ને મણીબા ઓટલે બેઠા ધ્યાન રાખે કે કોક લાઈન તોડી ઘૂસ તો નથી મારતું ને? નાક માં દમ કરી મુક્યો હતો આ પાણીએ તો. એક ટાઈમ બરાબર આવતું પણ બાંધેલા બીજા સમયપર દદુડી માત્ર. કોક દિવસ લાઈન તોડવાના છમકલા થાય તો મણીબા સિફત થી તોડ કાઢતા ને જંગ ના ખેલાય તે જોતા. ચાલીના બધા ચીવટ પૂર્વક પાણી વાપરતા કારણ કે છેલ્લા ત્રણ દિવસથી નળ રિસાયેલ માનુની ની જેમ એકાદવાર પણ ટપક્યો નો’તો. 

ડો. પંચોલી આવી ગયા. ભીડને ચીરતાં એ આવ્યા પલંગ પાસે. નરેશ અને હિંમતભાઈ ને માંડ અલગ કરી સ્ટેથોસ્કોપ થી મણીબા ને તપાસવા લાગ્યા. સાવ વ્યર્થ પ્રયાસ હતો નાડી માપવાનો, પણ બધાના સંતોષ ખાતરેય આ જરૂરી હતું. ભારે વદને નીચું જોઈ નકારમાં ડોકું ધુણાવ્યું ને ઓરડામાં ફરી રુદનનો સાગર ઘૂઘવવા માંડ્યો. સૌ પોતપોતાની રીતે મણીબાના જવાનો રંજ વ્યક્ત કરી રહ્યાં હતા. હવે હિમતભાઈ મૂઢ થઇ ગયા હતા. અત્યાર સુધી જે આંખોમાંથી અનરાધાર આંસુ વહી રહ્યાં હતા તે હવે પેલા કોર્પોરેશનના નળની જેમ કોરીકટ. ખાસીવાર રોકકળ ચાલી. મનીષ બિચારો પાછો ડો. પંચોલીને ભારે હૈયે ઘરે મુકવા નીકળ્યો હતો. રાત માથે હતી એટલે મૃતદેહ ને સવાર પહેલા ઘરમાંથી કાઢવાનો તો પ્રશ્ન જ નહોતો. મણીબહેન ની કૃષકાયા ને ભેગા થઇ બધાએ જમીન પર સુવડાવી. હર્ષા વહુના હાથે માંડ માંડ બે ચાર ટીપાં ગંગાજળના અને નરેશના ધ્રુજતા હાથે તુલસી પત્ર મણીબા ના મુખમાં મુકાવડાવ્યા. માથે ઘીનો દીવો ને રામધુન નો પાઠ શરુ કરાવડાવ્યો. છોકરાઓ હવે હિબકાઈને ખૂણામાં સુનમુન બેસી ગયા હતા.બે ત્રણ કલાકે સૌ એકબીજાને વાંસો ગરમ કરવા સમજાવતા ઘરે ગયા. પાંચ-દસ-પંદર જે નજીકના સગા હતા તે રાત આખી આંખમાં લઇ પરસાળે બેસી રહ્યા હતા. બસ સવારનો કુકડો બોલે એટલી વાર.

સુરજે રતુંમડા કિરણો પાથરવા માંડ્યા. રોજીંદી દૈનિક ક્રિયા પતાવી પાછા સૌ ચાલીમાં એકઠા થવા માંડ્યા. બે ચાર ઘરોએ રાત્રે નક્કી કાર્ય મુજબ સામટી બધાની ચા ઉકાળી. હિમતભાઇ અને નરેશને સમજાવી પટાવી, સ્હેજ અવાજ ઉંચો કરી અડધો કપ ચા પીવડાવી. ત્રણેવની આંખો સુજીને ફૂલાયેલ દેડકા જેવી ને આંખો ઢળતી સાંજના તપેલા સુરજને આંજ્યો હોય એમ. મોટેરાંઓની સુચના પ્રમાણે અંતિમયાત્રાની સૌ સામગ્રી આવી ગઈ હતી. ચાલીના કોકે તો પૂજારીની વ્યવસ્થા કરી દીધી હતી. મણીબાના દેહને પહેલા દહીંથી ને પછી ગંગાજળ થી પવિત્ર કરી નવી નક્કોર કોરી સાડી, હાથમાં લાલ લીલી કાચની બંગડીઓ, ગાળામાં મંગળસૂત્ર, ને કપાળમધ્યે ગોળ રતુમડો ચાંદલો કરી તૈયાર કર્યો હતો. હર્ષાને થયું બા હમણા બોલી ઉઠશે.” અલી આલ તો પેલો આઈનો, જોઉં તો ખરી કેવી લાગુ છું?” હર્ષાનું ગળું રૂંધાયું ને ડૂસકું ખાળવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. 

અંતિમયાત્રા માટેની તૈયારી થઇ ગઈ હતી. મણીબાનું ફક્ત મોઢું જ દેખાતું હતું. લાલ કપડાંમાં વીંટળાયેલો દેહ ગલગોટા અને ગુલાબના ફૂલથી શોભતો હતો. ચાલી આખી ઠસોઠસ ભરાઈ ગઈ હતી. ડૂસકાં અને આંસુથી ચાલીમાં અજબ ભારેખમ માહોલ હતો. માંડમાંડ મોટેરાઓએ સમજાવી રડવાનું બંધ કરાવી રામનામની ધૂન શરુ કરાવી. લયમાં ધૂન ચાલતી હતી ને વાતાવરણ સાવ સ્તબ્ધ. વચ્ચે વચ્ચે પુજારીના મંત્રોચ્ચાર સાવ અલગ ઓપ આપતા હતા. બધાંનું ધ્યાન બાજુવાળા ના આંસુ લૂછવામાં, છાના રાખવામાં, કે રામનામની ધૂનનો લય ના તૂટે એમાં હતું.

ત્યાં મનીષની બુમ સંભળાઈ …….

“એલા, પાણી આવ્યું છેએએએએ …..” ને ચાલીમાં સોપો બે ક્ષણ માટે. ને ત્રીજી જ ક્ષણે સૌ પોતપોતાના ઘરે બાલટી, દેગડો, ઘડો, તપેલા લેવા દોડ્યા. તો કેટલાક હોંશિયાર હતા તે પોતાના ટાબરિયાઓને લાઈનમાં જગ્યા રાખવા દોડાવ્યાં. સુધ્ધા નરેશ…રોજની ટેવ ને કારણે ઘરમાં બાલટી ને તપેલું લેવાં દોડ્યો. જતાં જતાં પાછો હર્ષાને બુમ પડતો ગયો: “ એય સાંભળ, બે ચાર મોટા તપેલા ઉતારી તું પણ દોડ જે. આ અવરજવરમાં પાણી વધારે જોઈશું. પાછું હવે પાણી ક્યારે આવશે કોણ જાણે?”

ને મણીબાનો નિશ્ચેત દેહ…..સ્મશાને જવાની રાહ જોતો ચાલીની વચ્ચોવચ્ચ સુતો હતો.!

નિકેતા વ્યાસ