ભીંતર ના વહેણ-પ્રકરણ ૨

S.Gandhi

સુરેન્દ્ર ગાંધી

ભીંતર ના વહેણ
  પ્રકરણ ૨

પરીક્ષિત ની પ્રસ્તાવના વિચાર માંગી લે તેવી હતી. અનાદિકાળ થી અમૃત ની ઝંખના, અમૃત જેટલી જ અમર લાગે છે. અમૃત ઝાંઝવા ના જળ જેવું હશે! જેટલી એને માટે દોટ મૂકીએ, એટલું જ એ લલચાવે. દોટ મુકનાર થાકી જાય તો ય  હાથ ન આવે. જીવન નો પ્રારંભ અને અંત પણ નક્કી જ હોય છે. દરેક જિંદગી ની જન્મનોંધ અને મૃત્યુનોંધ ક્યાં અને ક્યારે અને કેવી રીતે થશે એ નક્કી જ હોય છે. એના સમયપત્રક માં ફેરફાર કદાપિ નથી થતા. ફક્ત એટલું જ નિશ્ચિત હોય છે કે જન્મ અને મૃત્યુ વચ્ચે ના ગાળા ની કોઈ પરિસીમા નથી. પરિણામે જીવનયાત્રા ક્યાં તો અલ્પજીવી અથવા તો દીર્ઘજીવી હોય છે.

પરીક્ષિત ના પ્રસ્તાવ ઉપર વિદ્વવત્તાભરી ચર્ચા વિચારણા થઇ . એના મઁતવ્યો ઉપર વધુ ઊંડાણ માં સંશોધન કરવું લાભદાયક હોવાની શક્યતા સહેલાઇ થી નકારી શકાય તેમ નહોતું. પરીક્ષિત નો આનંદ સ્વાભાવિક હતો અને એની ચાલ માં એક ઉત્તેજના ઉભરાતી હતી.  ” ડૉક્ટર વિદ્વંસ તમારી પ્રતિભાશાળી પ્રસ્તાવના પ્રભાવિત કરે તેવી છે.આપણે આ વિષે વધુ વિનિમય કરી શકીએ તો કેવું?” એક વ્યક્તિ  એ પરીક્ષિત ની સાથે ચાલ મેળવતા પ્રશ્ન કર્યો. વિસ્મિત પરીક્ષિત  એ વ્યક્તિ ને નીરખી રહ્યો.અને જણાવ્યું  “માફ કરજો મને તમારો પરિચય નથી પણ હું તમારી પ્રોપોઝલ ને અવશ્ય આવકારીશ.”  સામી વ્યક્તિ એ પ્રત્યુત્તર માં દરખાસ્ત રજૂ કરી ” આજે સાંજે ડાઇનિંગ હોલ માં મળીએ, જો અનુકૂળતા હોયતો.” પરીક્ષિતે આમન્ત્રણ સ્વીકાર્યું એટલે પેલી વ્યક્તિ એ પરીક્ષિત ના હાથ માં એનું બિઝનેસ કાર્ડ મૂક્યું અને કહ્યું” હાલ તુરત તો આ છે મારો પરિચય.” કાર્ડ પર નામ હતું દિવાકર માધવન અને ટેલિફોન નંબર સિવાય અન્ય કોઈ માહિતી નહોતી. પરીક્ષિત ને એ જરા ખૂંચ્યું. સહેજ સંશય થ નોંધ લીધી. હોટેલ ના રૂમ ભણી પગલાં ભર્યા.

ડિનર માટે સાત વાગ્યા ના સુમારે પહોંચવાને વાર હતી એટલે સોફા પર લંબાવ્યું . એના મનાકાશ પર વિચાર વાદળો છવાયા.  થોડીક વાર ના આંખમીંચામણાં બાદ ફ્રેશ થઇ ને ડાઇનિંગ હોલ જવા નીકળ્યો. રસ્તે  રિસોર્ટ ના પ્રકૃતિક વાતાવરણ ને માણવાની ગડમથલ માં ખોવાયેલો હતો.

સામે થી એક યુવતી બહુ ઝડપ થી તો નહીં પણ અસાધારણ ઉત્સુકતા થી એની તરફ આવી રહી હતી. એના ચહેરા પર લહેરાતી આનંદ ની સુરખી સાથે સાથે મન્ત્રમુગ્ધતા ની મૂંઝવણ પણ નજરાતી હતી. સાવ નજીક આવી ત્યારે પરીક્ષિત ને એ ચહેરો પરિચિત લાગ્યો. પોતાના ચહેરા પર અવતરતા આશ્ચર્ય ના ઓળા અછતા ન રહ્યા. આ તો એ યુવતી હતી જે થોડાક સમય પહેલા બસ માં એની હમસફર હતી. બન્નેના પગલાં સાહજિક થંભ્યા પરીક્ષિત આમ પણ સ્વભાવે થોડો ટીખળી ખરો. એણે યુવતી ને નમસ્કાર કરી ને કહ્યું ” મેં તમને ક્યાંક જોયા છે એવી ફટી પુરાણી તરકીબ અજમાવી ને તમને આકર્ષિત કરવાની અભિલાષા વ્યર્થ છે. કારણ કે કોઈ પણ સમજદાર યુવતી, એવી ચેષ્ટા ની પારદર્શકતા ને વેધક દ્રષ્ટિ એ વીંધી નાખે. છતાંય મારા આત્મવિશ્વાસ માં મને અડગ શ્રદ્ધા છે એટલે હું સંપૂર્ણ નિર્ભયતા થી કહીશ કે થોડાક સમય પહેલા મુંબઈ ની એક બસ માં અલ્પ ક્ષણો માટે આપણે સાથે હતા. અને હા મારા સગા સ્નેહીઓ એને મિત્રો મને પરીક્ષિત વિદ્વંસ કહે છે. મારે કોઈ દુશમ્નો છે કે નહીં એ જાણતો નથી એટલે એમને માટે મારી ઓળખ બિનજરૂરી છે. ખરેખર તમારી સાથે મુલાકાત થવાની અશક્યતા ની શક્યતા સંભવિત હતી અને એટલે તમને જોઈ ને આનંદ થયો છે એમ કહેવાની ચેષ્ટા કરવી અયોગ્ય નથી.માની લઉં છું કે તમે પણ આ કોન્ફરન્સ માં ભાગ લેવા આવ્યા હશો.” ફટી પુરાણી તરકીબ તો નહોતી પણ પરીક્ષિત પોતે જ પોતાના વાક્ચાતુર્ય ઉપર આફ્રિન થઇ ગયો.! યુવતી અનિમેષ નજરે પરીક્ષિત સામે જોઈ રહી હતી. એની આંખો પરીક્ષિત ના ચહેરા નું અવલોકન કરી રહી હતી. ક્ષણભર ની રુકાવટ પછી યુવતી એ કહ્યું ” મારુ નામ ઉર્વશી ચિદમ્બરમ છે અને હા, હું કોન્ફરન્સ અટેન્ડ કરવા આવી છું.તમને તમારા અનુમાન પર ગર્વ થાય તો નવાઈ નહીં. તમારી પ્રોપોઝલ ઇન્ટરેસ્ટિંગ લાગી પણ એમાં  લાગે છે. કોઈક વખત વધુ વિગતે વાત કરીશું.”

 હાથ માં આવેલી તક જવા દે એટલો તો એ અણઘડ નહોતો. એણે કહ્યું ” આજ સાંજ નો મારો ડિનર પ્રોગ્રામ નક્કી થઇ ગયો છે, કાલ પર વાત રાખીએ તો?” યુવતી એ જવાબ વાળ્યો ” મારો પણ આજ ની સાંજ નો ડિનર પ્રોગ્રામ નક્કી છે.કાલ ની ખબર નથી.”  પરીક્ષિતે પ્રમાણસર આતુરતા થી આવતી કાલ ની સાંજ નો ડિનર પ્રસ્તાવ મુક્યો અને ઉર્વશી એ સાભાર માન્ય રાખ્યો. અચાનક ભેગા મળેલા  તેમ બન્ને પોતપોતાની દિશામાં વળ્યાં.

પરીક્ષિત નિયત સમયે હોટેલ ના ડાઇનિંગ રૂમ પર પહોંચ્યો. ત્યાં તો દિવાકર માધવન ને પણ આવતો જોયો. દિવાકરે કહ્યું”તમને પણ મારી જેમ સમયસર પહોંચવાની આદત  લાગે છે.” જવાબ માં પરીક્ષિતે એક હકારાત્મક સ્મિત ફરકાવ્યું. હાલ ના સંજોગો માં પરીક્ષિતે એની આદત મુજબ નિર્ણય કર્યો હતો કે આંખ અને કાન સજાગ રાખવા અને જરૂર પૂરતું બોલવું. વાત નો દોર એ પોતાના હાથ માં રાખતો.અને સામી વ્યક્તિ ને ખુલાસા થી વાત કરવા પ્રોત્સાહિત કરતો. પરીક્ષિત નું સંપૂર્ણ  ધ્યાન સામી વ્યક્તિ ના હાવભાવ, બોલવાની છટા, હલનચલન ઇત્યાદિ પર કેન્દ્રિત રહેતું. દિવાકર નો પણ કોઈક એવો જ મહાવરો હતો. સામ પક્ષ ને સંપૂર્ણપણે ચકાસવાની એની આદત મુજબ એ પણ સાવધ હતો. ખાસ તો દિવાકર ના કામકાજ ને લીધે. વાત નો દોર ભલે એ સરકી જવા દે, પણ જરૂર કરતા વધુ ખુલાસા કરવામાં  માનતો નહોતો. જયારે સામી વ્યક્તિ એનો વિશ્વાસ સંપાદન કરે છે એમ લાગે ત્યારે જ એ વાત ને વળાંક  આપી ને ધ્યેયસિદ્ધિ તરફ દોરી જતો. જયારે એની ચકાસણી માં સામી વ્યક્તિ ઉત્તીર્ણ થાય ત્યારે જ એ મુદ્દા ની વાત પર આવતો.બેઉં ના વલણ માં સામ્ય હતું તો એ જ કે મનમેળ બગર નો વાર્તાલાપ કરવાનું ફક્ત રાજકીય અને સામાજિક નેતાઓ ને જ પરવડી શકે.

હાલ ના સંજોગો માં તો દિવાકર માધવન ના ચહેરા પર એક આતુરતા આકાર લઇ રહી હતી.ઘડિયાળ અને ડાઇનિંગ હોલ ના પ્રવેશદ્વાર ની વચ્ચે એની તીક્ષ્ણ નજર ઘડિયાળ ના કાંટા ની જેમ ફરતી રહી. પરીક્ષિતે મનોમન અનુમાન કર્યું કે ડિનર માં એક યા વધુ વ્યક્તિઓ સામેલ થનાર છે.એને દિવાકર ની વિહ્વળતા હળવી કરવા માટે ઔપચારિક વાત છેડી. સામાન્ય રીતે હવામાન થી માંડી ને હોટેલ ની સવલતો અને કોન્ફરન્સ ની અરેન્જમેન્ટ જેવા વિષયો સહાયરૂપ બને. હાલ તુરત તો એ વિષયો જ પૂરતા છે એવી પરીક્ષિત ની ધારણા હતી.ડાઇનિંગ રૂમ ને અડી ને બાર એટલે કે મદિરા મંદિર નું અસ્તિત્વ હતું.પરીક્ષિતે દિવાકર ને ડ્રિન્ક ની ઓફર કરી . બેઉં બાર તરફ વળ્યાં. ડ્રિન્ક ઓર્ડર કર્યા. ડ્રિન્ક ને હથેળી માં રમાડતા રમાડતા વળી થોડીક આડીઅવળી વાતો થઇ.દિવાકર ની ચિંતાતુર  મુખમુદ્રા ગંભીરતા તરફ જઈ રહી હોય એમ લાગ્યું. અંતે ઘેરાયેલા વાદળ વિખરાયા અને એક આનંદ ની આભા એના ચહેરા પર અંકાઈ. દિવાકરે પ્રવેશદ્વાર તરફ જોઈ ને કોઈક ને હાથ ઊંચો કરી ને ઈશારો કર્યો. પરીક્ષિતે જોયું  કે ઉર્વશી એમની તરફ આવી રહી હતી. પરીક્ષિત નું આશ્ચર્ય સીમા પાર જઈ ને કોઈક સરહદી મામલો સર્જે તે પહેલા ઉર્વશી એ દિવાકર ને કહ્યું ” સોરી તમને રાહ જોવડાવી. અને ઉમેર્યું  કે કંપની ના મૅનેજિંગ ડિરેક્ટર સાથે ફોન પર વાત કરવા માં સમય એના ધ્યાન બહાર સરકી ગયો.” પરીક્ષિત ને પણ ત્યાં બેઠેલો જોઈ ને કુતુહલ અવશ્ય થયું. પણ બીજી કોઈ અનુભૂતિ થાય તે પહેલા દિવાકરે કહ્યું ” હું પણ કમાલ છું ને! ઉર્વશી મીટ પરીક્ષિત.” એમ કહી ને બેઉં ની ઓળખ આપવાની સભ્યતા દાખવી.બન્ને પક્ષે ઔપચારિક “હલ્લો” થયું. ડિનર દરમ્યાન અવનવી વાતો થઇ.થોડીક ઉપરછલ્લી. ઉર્વશી ની હાજરી એ પરીક્ષિત માટે એક સમસ્યા ઉભી કરી.એક વાત તો નક્કી હતી કે દિવાકર માધવન પરીક્ષિત અને ઉર્વશી કરતા વધુ દિવાળીઓ ઉજવી ચુક્યો હતો એટલે કે ઉર્વશી અને દિવાકર વચ્ચે પ્રોફેશનલ રિલેશન હોવાની સંભાવના એને ગમવા માંડી.એક વાત પરીક્ષિત ના ધ્યાન બહાર નહોતી. દિવાકર જયારે ડાઇનિંગ રૂમ તરફ આવતો હતો ત્યારે એક માણસ દિવાકર થી દશ ડગલાં આગળ સાવધાની થી કોઈ નું ધ્યાન દોર્યા વગર, ચોતરફ શું ચાલી રહ્યું છે એની માનસિક નોંધ લઇ ચાલતો હતો. એના હાવભાવ પર થી એ પણ પ્રતીત થતું હતું કે કોઈ પણ પરિસ્થિતિ ઉપર વર્ચસ્વ સ્થાપવા માં એ જરા પણ અચકાશે નહીં. તેવી જ  રીતે દિવાકર થી દશેક ડગલાં પાછળ એવી જ સાવધાની થી બીજો માણસ  અનુસરતો હતો.  પરીક્ષિતે એ પણ નોંધ્યું કે એ બેઉં માણસો એમના થી દૂર પણ નહીં અને બહુ નજીક પણ નહીં એવા એક ટેબલ પર બેઠા હતા જ્યાં થી ડાઇનિંગ રૂમ ની રઅવર જવર ઉપર ચાંપતી નજર રાખી શકાય. પરીક્ષિત ને માધવન ના સ્ટેટ્સ નો આછોપાતળો  અંદાજ આવી ગયો હતો.

ક્રમશઃ

One response to “ભીંતર ના વહેણ-પ્રકરણ ૨

 1. pragnaju January 21, 2020 at 4:44 PM

  /
  સરળ ભાવે સરતી સ ર સ વાત
  .
  ;પરીક્ષિતે એ પણ નોંધ્યું કે એ બેઉં માણસો એમના થી દૂર પણ નહીં
  .
  અને બહુ નજીક પણ નહીં એવા એક ટેબલ પર બેઠા હતા
  .
  જ્યાં થી ડાઇનિંગ રૂમ ની રઅવર જવર ઉપર ચાંપતી નજર રાખી શકાય.
  .
  પરીક્ષિત ને માધવન ના સ્ટેટ્સ નો આછોપાતળો અંદાજ આવી ગયો હતો’
  .
  ભેદ મી રાહ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: