ભીંતર ના વ્હેણ પ્રકરણ  ૨૨ 

S.Gandhi

સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ – પ્રકરણ  ૨૨

પેલો માણસ હજુ બસસ્ટોપ પર જ ઉભો હતો. પીટર એના ઘર તરફ પાછો ફર્યો. હવે એની અવલોકન-શક્તિની માત્રા વધી ગઈ. પ્રત્યેક અવરજવર, હિલચાલની સાથે  સાથે દરેક ચહેરાને સ્મૃતિપટ પર અંકિત કરતો રહ્યો. પીટર ઘર થી થોડેક દૂર હતો. ઔડ્રી મકાનમાંથી નીકળી અને સ્ટેશન નો રસ્તો પકડ્યો. પીટર ઔડ્રી નું ધ્યાન ન દોરાય તેમ એક પાનવાળાની દુકાનની ઓથે ઉભો રહી ગયો. પીટરની નજર ચારે તરફ ફરી રહી હતી. એણે જોયું કે અચાનક એક માણસ રસ્તાની સામેની બાજુના મકાનમાંથી બહાર આવ્યો અને ઔડ્રી ની સમાન્તર ચાલવા લાગ્યો. પીટર પણ બે ક્ષણો પછી ઔડ્રીને અનુસર્યો. ઔડ્રી કોળીવાડા સ્ટેશને પહોંચી અને નિયમાનુસાર ટ્રેઈન  પકડી. પીટરે જોયું કે પેલો માણસ સ્ટેશન પર જ હતો અને સેલફોન પર વાત કરી રહ્યો હતો. પીટરને તરત જ ખ્યાલ આવી ગયો કે ઔડ્રી  પર નજર રાખવામાં આવી રહી છે.પીટર મુસીબતમાં મુકાયો. . એણે ઝડપથી નિર્ણય કર્યો. હાલ તો પેલા માણસની દેખરેખ રાખવાનું એને વધુ યોગ્ય લાગ્યું. કારણકે  ઔડ્રી ગાડી માં થી ઉતરીને અણુકેન્દ્ર જવાની હતી. બસમાં સ્ટાફ સિવાય બીજા કોઈ જઈ ન શકે એટલે કોઈ પીછો કરનાર બસને અનુસરે તો પણ અણુકેન્દ્ર સુધી જ જઈ શકે અને વાત ત્યાં અટકી જાય.

 

           પેલો માણસ આઝાદ ઈમ્પોર્ટસ ના રસ્તા તરફ વળ્યો. પીટર સાવધાનીથી એનો પીછો કરતો રહ્યો. બસસ્ટોપ પર ઉભેલો માણસ પણ  ચાલ્યો અને રસ્તાની સામેની બાજુએ ચાલી રહેલા માણસ સાથે જોડાયો. હવે પીટરને નિંસંદેહ ખાતરી થઇ કે ઔડ્રી અને કાલિપ્રસાદ પર નજર રાખવામાં આવી રહી છે. બસસ્ટોપ પરથી ચાલનાર માણસે પણ જોયું કે એક દાઢીવાળો માણસ થોડુંક અંતર રાખીને એના સાથીદારને અનુસરી રહ્યો હતો. તરત જ એના અંતરપટ પર ઝબકારો થયો!થોડાક સમય પહેલાજ એણે એક દાઢીવાળા માણસને આઝાદ ઈમ્પોર્ટસ પાસેથી  પસાર  થતા જોયો હતો. અને હવે આ દાઢીવાળો એના સાથીદાર ને અનુસરી રહ્યો હતો. અચાનક દાઢીવાળાનો રાફડો ફાટી નીકળ્યો કે શું? પીટર જોગાનુંજોગમા માનતો નહોતો. વાસ્તવમાં હકીકત એ હતી કે કોઈક દાઢીવાળો એમની ઉપર ચાંપતી નજર રાખી હર્યો હતો. આ બાબત પર બેમાંના એકે  એના સાથીદાર નું ધ્યાન દોર્યું. આ સમસ્યાનો ઉકેલ લાવવા બેઉં સંમત થયા. અલબત્ત પીટરને તો એનો ખ્યાલ જ ક્યાંથી આવે?

 

                    ત્રિશૂળ ના બેઉં માણસોને લાગ્યું કે પીટર ક્યાં જાય છે  અને શું કરે છે, એ જાણવું વધારે અગત્યનું છે. કોણ એના સાથીદારો છે અને એમની જાળ ક્યાં સુધી ફેલાંઆયલી છે, એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. ત્રિશૂળ ની તાલીમ અનુસાર બેઉંએ નક્કી કર્યું કે પીટર ને અસાવધ રાખવો. કોઈ રીતે ચોંકાવવોનહીં.નચિંત શત્રુનો આત્મવિશ્વાસ એમની બેદરકારીનું કારણ બને છે. બેદરકાર શત્રુને મહાત કરવો સહેલો હોય છે. જોસેફને ફોન ઉપર પરિસ્થિતિનો અહેવાલ આપ્યો.જોસેફને તરત જ ખ્યાલ આવી ગયો કે પીટર એના માણસો નો પીછો કરી રહ્યો હતો.જોસેફની સૂચના પ્રમાણે એના માણસો આઝાદ ઈમ્પોર્ટસ ની દુકાન માં કૈંક ખરીદવાને બહાને પ્રવેશ્યા. દુકાનદારે તેમને આવકાર્યા.જોસેફ ના માણસો પૈકી ના એકે, દુકાનદારને કાલિપ્રસાદનો ફોટો બતાવ્યો અને પૂછપરછ કરી. દુકાનદારે જણાવ્યું કે ફોટામાંની વ્યક્તિને એ જાણતો નહોતો. બીજા માણસે જણાવ્યું કે ગઈ કાલે આ શકમંદ શખ્સ બપોર પછી આ દુકાનમાં પ્રવેશ્યો હતોઅને દુકાન બંધ થઇ ત્યાં સુધી એ બહાર નહોતો આવ્યો.દુકાનદારે જણાવ્યું કે બપોરે બીજો માણસ કાઉન્ટર સંભાળતો હતો, એટલે સ્વાભાવિક છે કે એની ગેરહાજરીમાં બનેલા બનાવોથી એ અજ્ઞાત હતો. વધુ માહિતી જોઈતી હોય તો બપોર પછી આવવાનું સૂચવ્યું.

 

પીટર છુપાઈને દુકાન પર નજર રાખી રહ્યો હતો. અલ્પ સમય બાદ એણે જોસેફના સાથીદારોને દુકાનમાંથી બહાર નીકળતા જોયા. પીટરને નહીં જોવાથી જોસેફના સાથીદારોને આશ્ચર્ય ન થયું. એમણે જોસેફ નો સંપર્ક સાધીને દુકાનદાર સાથે થયેલ સંવાદ ની માહિતી આપી. જોસેફની ધારણા સફળ થઇ, અને પીટરને સાંકેતિક સંદેશો મોકલકામાં આવ્યો કે દુકાનમાં થતી અવરજવર પર કેહનપતિ નજર રાખવામાં આવી રહી છે. જોસેફે એના સાથીઓને દુકાનની આસપાસ ફરતા રહેવા લણાવ્યું. પીટર ની માન્યતા હતી કે આમ છડે ચોક નજર રાખવાથી પીટર દુકાનથી દૂર રહેશે અને કોઈ પગલું તો અવશ્ય ભરશે જ, અને થયું પણ એવું જ. પીટર સ્યજન કારખાના તરફ વળ્યો. રસ્તે જતા જતા એણે ટ્રક છોડાવવાની મનોમન યોજના ઘડી કાઢી. અણુકેન્દ્રની કારને ટ્રક ના ટ્રેઇલરમાં ચઢાવીને કુરેશીને હવાલે કરવાનો ઈરાદો વધુ સબળ બન્યો.

                       વાહીદ અને વઝીર પણ સિરાજને કારખાને જવા નીકળ્યા.વાહિદની સહનકશીલ માનસ બળવો પોકારી રહ્યું હતું. ટ્રકના રંગકામમાં થયેલ વિલંબ અનિવાર્ય હતો પણ અસ્વીકાર્ય હતો. વાહિદની ઈચ્છા તો જોસેફ અને એના સાથીદાર ડ્રાઈવરનો વધ કરવાની જ હતી. પણ કાલિપ્રસાદ ઉર્ફે પીટરની વિરુદ્ધ જવાની હિંમત નહોતો કરી શક્યો. વાહિદનો સેલફોન સળવળ્યો અને એ પીટરનો અવાજ સાંભળીને સહેજ અચંબો પામ્યો.કારણકે સેલફોન નો ઉપયોગ અત્યંત તાકીદ ની પરિસ્થિતિમાં જ કરવાના આદેશનું ચુસ્ત પાલન થતું હતું. એટલે વાહિદે ગળું સંકેત મુજબ ગળું ખોંખારીને જણાવ્યું કે એ સાંભળવા માટે તૈયાર હતો. પીટરે જણાવ્યું કે કાલિપ્રસાદનો પીછો થતો હતો એટલે કાલિપ્રસાદ ટ્રકનો કબ્જો લેવા નહીં આવે. પીટર વહીદને રંગકામના પૈસા આપવા આવી રહ્યો હતો. વાહીદ અને વઝીર ટ્રક નો કબ્જો લઈને  અને અણુકેન્દ્રની કારને ટ્રકમાં ચઢાવીને બાંગ્લાદેશના હાઈકમિશનનો રસ્તો પકડશે, કાલિપ્રસાદ સિરાજ સાથે ફોન પર વાત કરીને બધું સમજાવી દેશે.પીટર સિરાજના કારખાનાંથી થોડેક દૂર વહીદને મળીને   સિરાજને ચૂકવવાના પૈસા સુપ્રત કરશે.

                     જોસેફ પણ વહેલી સવારે સિરાજના કારખાને જવા નીકળ્યો. ત્રિશૂળના એક ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ ના નિષ્ણાત હરિહરનને ફોન કરીને એની સાધનસામગ્રી સાથે સિરાજના કારખાને મળવાની ગોઠવણ કરી હતી. હરિહરન નિયત સમય કરતા વહેલો પહોંચી ગયો. સિરાજના કારખાને બજાવવાની કામગીરીની જાણકારી એને મળી ચુકી હોવાથી સમયનો સદુપયોગ કરવા એ કારખાનાની પાછળના ભાગમાં ખડકાયેલી અણુકેન્દ્રની કાર તરફ ગયો. કોઈની નજરે ચઢ્યા વગર એ કારમાં પ્રવેશ્યો અને સિગરેટ લાઇટર ની જગ્યાએ એક ટ્રાન્સ્પોન્ડર લગાવીને ચકાસણી કરી. સલામતી ખાતર એક બીજું વાઈપર જેવું જ ટ્રાન્સ્પોન્ડર વાઇપરની જગ્યાએ લગાવ્યું.કારની પ્રત્યેક હિલચાલ પર ત્રિશૂળની નજર રહે એવો પ્રબંધ થઇ ગયો.હરિહરન  ચુપકીદીથી બહાર આવ્યો અને જોસેફને આવતો જોઈને એના પગલાં જોસેફ તરફ વળ્યાં. જોસેફને કાર માં ગોઠવેલા ટ્રાન્સ્પોન્ડર ની માહિતી આપી અને બદલામાં શાબાશી મેળવી લીધી.બેઉં ત્યાંથી ત્રિશૂળ ના હેડક્વાર્ટર જવા રવાના થયા. જોસેફ બને ત્યાં સુધી વાહીદ, વઝીર કે પીટરની નજરે ચઢવા નહોતો માંગતો.

                  પરીક્ષિત મોડી રાત્રે ઘરે ગયો હતો અને સવારે ઓફિસે વહેલા પહોંચવાનું હતું એટલે વામન અને વિશ્વનાથને પણ વહેલા બોલાવ્યા હતા. ઓફિસનું કામ આટોપીને પરીક્ષિતને ત્રિશૂળ ની પ્રયોગશાળામાં જવાનું હતું. એક બહુ જ અગત્યના પ્રોજેક્ટની કામગીરીનીપ્રગતિનો અહૅવાલ લેવાનો હતો.

                 ત્રિશૂળના કમ્પ્યુટર નિષ્ણાતો, અન્ય વૈજ્ઞાનિકો અને ઇન્ડિયન એરફોર્સ ના ચુનંદા કાર્યકરોના સહકારથી એક ગાઈડન્સ સિસ્ટમ બનાવવામાં આવી હતી; જેનું નામ હતું  “વારાંગના.” કમ્પ્યુટર નિષ્ણાતોએ એને કાલ્પનિક પણ સચોટ  નારીસહજ વ્યક્તિત્વ અર્પણ કર્યું હતું. વારાંગના વાતો કરતી, લાગણીઓ વ્યક્ત કરતી. વારાંગના એક ખુબ જ શક્તિશાળી, તેજ અને  અદ્યતન  કમ્પ્યુટર હતું. કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવામાં એનું સામર્થ્ય અજોડ હતું. વારાંગનાના અસ્તિત્વની ઊડતી અફવાઓને સાહજીકતાથી નકારવામાં આવતી. વારાંગનામાં યજમાનવૃત્તિનો અભાવ હતો. પરિણામે આંગણે આવનાર અભ્યાગત હેકર્સને કાઢી મુકવામાં આવતા. વારાંગનાની સોળે કળાએ ખીલેલી કામગીરી, અણછાજતા અડપલાં અને છેડતી કરનારાઓને પણ આકર્ષતી; છતાંય વારાંગનાની ચારિત્ર્ય શુદ્ધિ હજુ સુધી અકબંધ હતી.

             ત્રિશૂળ ની પ્રયોગશાળા  એલિફન્ટાની ગુફાઓમાં સુરક્ષિત હતી. ડુંગરાઓની ઓથે એક નાનું એરપોર્ટ હતું.સેટેલાઇટ જેવા આકાશી જાસૂસોની નજરે ચઢે તો પણ કોઈ ખાસ લાક્ષણિકતાના અભાવે બહુ ધ્યાન ખેંચાય  તેમ ન હતું.

                    રામાયણમાં સીતામૈયા ના હરણથી ભરાયેલી હરણફાળ સદીઓ બાદ પણ સક્રિય હતી. હરણની સીતા નહોતી થઇ. હરણ ઉપાસક રાવણવૃત્તિ ફક્ત નારીઓ પૂરતી જ મર્યાદિત નહોતી. સ્થાવર અને જંગમ ચીજોનું હરણ કરનાર રાવણોનું પોત નિરંતર પ્રકાશતુ જ રહ્યું છે ને! વાતવાતમાં રામચંદ્રજી જેવા આદર્શ આત્માને તકલીફ આપવાનું શોભાસ્પદ નથી.વારાંગના આવા રાવણોને ખાળવા, પરાજિત કરવા શક્તિમાન હતી.દશ હઝાર ફૂટ ઊંચે ઉડનાર વિમાનને પાવરફુલ ઈલેક્ટ્રો-મેગ્નેટિક વેઇવ થી પાંગળું બનાવીને સંચાલનનો દોરીસંચાર હસ્તગત કરી લે , એવી એની શક્તિ હતી. વારાંગનાનો શિકાર બનેલા વિમાનનું ભાવિ , વારાંગનાના હાથ માં હતું.એ ધારે તો તારે અને ધારે તો મારે! નારિત્વને અનુરૂપ જ વર્તણુક! રાવણવૃત્તિનો નાશ કરવા માટે અધીરી બનેલી વારાંગના જયારે મન થાય ત્યારે વિજયાદશમી ઉજવે!

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: