ડોક્ટર સોહમના શરીર પર સફેદ ચાદર ઓઢાડી દેવાઈ. દેહ નિશ્ચેતન હતો. મોનિટર પરની લાઈન ઝિકઝેક મટીને સીધી થઈ ગઈ હતી. હજુ રેસ્પિરેટર કઢાયું ન હતું.
ડોક્ટર નેલ્સને સોહમના પત્ની ઈશ્વરીને ફોન કર્યો. મેમ, આઈ એમ સોરી ટુ ગીવ યુ સેડ ન્યુઝ. યોર હસબન્ટ, ડોક્ટર સોહમ ઈઝ નો મોર વીથ અસ. ઇટ્સ કાર્ડિયાક એરેસ્ટ એટ ઈલેવન થર્ટી ફાઈવ. કોઈ સવાલ જવાબ કરવાના ન હતા. ઈશ્વરી આ પરિણામ જાણતી જ હતી. આમ છતાંયે એ માનસિક રીતે તૈયાર ન હતી. ડોક્ટર સાથેનો ખરો સંવનન કાળ તો જાણે હમણાં શરૂ થયો હતો. અને પોતે કેવી અભાગણ કે કોવિડને કારણે પતિની સાથે આખરી દિવસો પણ ગાળી નહોતી શકી.
ડોક્ટર સોહમ આમ તો નિવૃત ઈંટર્નલ મેડિકલ પ્રેક્ટિશનર હતા. સિત્તેર વર્ષે નિવૃત થયા. સિત્તેર વર્ષ ક્યાં પસાર થઈ ગયા તે સમજાયું નહિ. આખી જીંદગી દોડતા રહ્યા. એણે જીવન માણ્યું જ ન હતું. અઠ્ઠાવીશ થી ત્રીશ વર્ષ તો ભણવામાં જ ગયા. પ્રેમ કરવાનો પણ સમય ન હતો. મિત્રની બહેન ઈશ્વરી સુંદર હતી. દોસ્તે જ ગોઠવી આપ્યું. પ્રેમ કર્યા વગર જ પર્ણી ગયા અને ઈશ્વરીએ ગૃહ સંસાર સંભાળી લીધો.
ભણી રહ્યા અને દવાખાનું શરુ કર્યું. અને બે વર્ષમાં અમેરિકાનો વિઝા કોલ આવ્યો.. અમેરિકામાં ફરી પરીક્ષાઓ આપી. હોસ્પીટલમાં નોકરી કરી. પોતાનું ક્લિનિક શરુ કર્યુ. બસ કામ, અને પૈસો. મિત્રો અને સગા સંબંધીઓ માનતા હતા કે ડોક્ટર સોહમને જલસા છે. પણ એને જીવન માણવા માટે અવકાશ નહોતો મળ્યો. બે દીકરાનો જન્મ થયો, એઓ ક્યારે મોટા થઈ ગયા, અને પોતાના સંસારમાં વહેતાં થઈ ગયા તે પણ સમજાયું નહિ. પત્ની ઈશ્વરી સોહમની સાથે નહિ પણ એની પાછળ ખેંચાતી રહી.
એવું ન હતું કે એ બન્ને સાથે રહ્યા ન હતા. એવું ના હતું કે એ બન્ને સાથે ફર્યા ન હતા, એવું ના હતું કે બન્ને એ સાથે વેકેશન લીધું ન હતું. આમ છતાં મનમાં એક વસવસો હતો. સાથે જીવ્યા ન હતા. જીવન માણ્યું ન હતું.
કારણ!
વ્યવસાય ઉપરાંત ડોક્ટર સોહમનું એક કલ્પના જીવન હતું. એ કવિ હતા. સાહિત્યકાર હતા. સમય મળે એટલે લખવા બેસી જાય. દવાખાનું, પેશન્ટ્સ, મની મેનેજમેંટ અને સાહિત્ય. મેડિકલ પ્રોફેશનમાં તો બસો-પાંચસો માણસો ઓળખે પણ કવિ તરીકે તો દુનિયા ભરના ઓળખે. અમેરિકામાં આવ્યા પછી લખતા થયા. કાવ્ય સંગ્રહોઓના પુસ્તકો છપાયા, વહેંચાયા, વખણાયા અને થોડા ઘણાં વેચાયા પણ ખરા. ડોક્ટર સોહમની નામના અમેરિકા, ભારત, અને અન્ય દેશોમાં સાહિત્યકાર તરીકે પ્રસરતી હતી. સોહમની આંતરિક મહેચ્છા પણ પ્રસિદ્ધ થવાની હતી. બસ પ્રસિદ્ધિનો મોહ અને ભૂખમાં એ ઈશ્વરીની માનસિક ભૂખ જોઈ ના શક્યા. ઈશ્વરી એની બાજુમાં જ હતી પણ ઈશ્વરી એની અંદર ન હતી. બન્ને સમવયસ્ક હતાં પણ ઈશ્વરી ડોક્ટર ન હતી. ઈશ્વરી સાહિત્યકાર ન હતી.
સિત્તેર વર્ષે ક્લિનિક વેચી દીધું. મેડિકલ પ્રોફેશનમાંથી નિવૃત્ત થયા અને ચાલીશમી લગ્ન જયંતિની એક મોટી પાર્ટી રાખી હતી. ડોક્ટરો, મિત્રો, સગાસંબંધીઓના ટોળાં ભેગા થયા હતાં. લોકોએ ખાધું, પીધું ડોક્ટર કવિની પ્રશસ્તિ થઈ. કવિમિત્રોએ સોહમ માટે કાવ્ય રચનાઓ અને લેખકોએ શબ્દ પ્રસંશા વેરવામાં કમી ના રાખી. ડોક્ટર પોરસાતા ગયા.
પાર્ટી પુરી થઈ. રાત્રે બન્ને મોટા પલંગ પર આડા પડ્યા. સોહમ એમના થયેલા વખાણ વાગોળતા હતા. ઈશ્વરી નિઃશબ્દ સિલીંગને તાકતી રહી.
‘મિસિસ સરૈયાએ તો મારે માટે ચાર રાગમાં એક ખંડકાવ્ય રજુ કર્યું હતું.’
‘હં’
હં હં શું કર્યા કરે છે. આર યુ ઓલ રાઈટ?
‘હં’
‘મનોભૂમિ મેગેઝિનમાં વીકલી કોલમ લખવા માટેની ઓફર થઈ છે.
‘હં’
‘હં એટલે બોલતી કેમ નથી?’
‘મારે વાત કરવી છે.’
‘તો કર ને?’
આપણે ઘણાં વર્ષ સાથે રહ્યા. બે દીકરાઓને મોટા કર્યા. એઓ સ્વત્રંત્ર અને સુખી છે. હવે મારે સ્વતંત્ર અને સુખી થવું છે. આપણે છૂટા થઈ જઈએ.
ડોક્ટર સોહમ બેડમાં આડા પડ્યા હતા તે એકદમ બેઠા થઈ ગયા. ‘વ્હોટ? આ તું શું બકે છે?’
‘ડોક્ટર, મેં કહ્યું કે આપણે છૂટા થઈ જઈએ.
‘આટલા વર્ષ પછી ડિવોર્સ?’
‘ના ડિવોર્સ નહિ. બસ તમે તમારે રસ્તે, હું મારે રસ્તે. આપણે જૂદા થઈ જઈએ. હું ઈંડિયા જઈશ. તમે અહિ રહો. મારે એક પાર્ટનર જોઈએ છે. જે મારી સાથે મારો થઈને રહે. મારો હાથ તેના હાથમાં લઈને હિંચકે ઝૂલે. એક એવો પાર્ટનર જોઈએ છે કે જે મને પોતાને હાથે ચા બનાવીને નાસ્તો તૈયાર કરીને મને બેડમાંથી ઉઠાડે. મને શાવરમાં નવડાવે. બસ એક સાથીદાર જે મારો જ બની રહે. તમારા અનેક પ્રણય કાવ્યોમાં વર્ણવ્યો છે એવો જ પ્રેમાળ સાથીદાર ઝંખુ છું.’
‘આટલા વર્ષે આ ઝંખના? આપણે બન્ને સિત્તેરના થયા. તું ભાનમાં છે? મેં તને શું નથી આપ્યું? આજે ધમાકેદાર એન્નીવર્સરી ઉજવી હવે કાલે તારે કોઈ બીજાનો હાથ પકડીને બાગમાં મ્હાલવું છે?’ ડોક્ટર સોહમ અકળાયા. ઈશ્વરી એન્નીવર્સરીની ઉજવણીની રાત્રે સંવનન ને બદલે આવો ઘડાકો કરશે એવું કલ્પનામાં પણ નહોતું વિચાર્યું. ‘શું કોઈ છે? કોઈ જૂનો પ્રેમી? કોઈ જૂનો દોસ્તાર?’
‘ના કોઈ જ નથી. પણ કોઈક શોધવો પડશે, શોધીને બનાવવો પડશે. એવો પ્રેમી જે આથમતી સંધ્યાએ, દરિયાના પાણીમાં પગ રાખીને, ભીની રેતીમાં મારું નામ લખી શકે એવો સાથીદાર જોઈએ છે. મને માત્ર એક એવા માનવીની ઝંખના છે જે માત્ર મારો જ હોય. મારામાં જ રચ્યો પચ્યો રહે. તન અને મનથી મને એનામાં જ જક્ડી રાખે. એની દરેક કવિતાઓ માત્ર હું જ હોઉં. પતિ પત્ની તરીકે દેહ તો અનેક રાત્રીએ ભેગા થયા છે પણ પ્રેમી પ્રેમિકા તરીકે કદીએ સંવનન માણ્યું છે? એવો સાથીદાર જે સાથનો સાક્ષાતકાર કરાવે. ડોક્ટર, આ કાંઈ આપણી પહેલી એન્નીવર્સરી પાર્ટી ન હતી. દર પાંચ વર્ષે ઉજવણી કરી જ છે. પણ તે મારે માટે નહિ આપશ્રીની વાહવાહ માટે હતી. પહેલાંની પાર્ટીઓમાં ડોક્ટરોના ટોળાની વચ્ચે હતા. આજે તમારી વાહવાહ કરનારા લેખકોના ટોળામાં હતા. તમે ક્યાં મારા હતા? તમે તો ટોળાના હતા.
‘શું હું તારો નથી? મેં તારે માટે શું નથી કર્યુ?’
‘આપણે એકબીજા માટે માત્ર સાંસારિક, સામાજિક ફરજો બજાવી છે. મન મૂકીને લડ્યા પણ નથી. તમે જે કહ્યું તે મેં કર્યું છે. મેં જે કહ્યું તે તમે કર્યું છે. તમે સારા પતિ છો. સારા પ્રોવાઈડર છો પણ પ્રેમી નથી. આપણે એક બીજાની સગવડ સાચવી છે પણ એકબીજાને પ્રેમ કરવા સમય નથી ફાળવ્યો. તમે તો ઘણાં પ્રણય કાવ્યો લખ્યા છે પણ તમને મારામાં જ, હું તમારી જ એક તડફડતી કવિતા છું એ દેખાયું નથી. હું ભારત જઈશ. કોઈક તો એવો સાથી મળશે જે મારામાં જ ખોવાઈ જાય. બીજા કોઈનો નહિ માત્ર મારો જ બની રહે.’
‘ઈશ્વરી તું ગાંડી થઈ છે? આ ઉમ્મરે? પ્લીઝ, અત્યારે તું શાંતિથી સૂઈ જા. જો તારે ઈન્ડિયા જવું હોય તો જરૂર જજે. અત્યારે તું ઊંધી જા. આજે તું ખૂબ થાકેલી છે.’ ડોક્ટરે લાઈટ બંધ કરી.
ઈશ્વરીની આંખ બંધ થઈ. સોહમ ખુલ્લી આંખે પડદાના ખૂણામાંથી ચાંદની વરસાવતો ચંદ્ર જોઈ રહ્યા હતા. અચાનક સોહમનો હાથ ઈશ્વરીના વક્ષસ્થળ પર પડ્યો. અને તરત પાછો ખેંચાઈ ગયો. હળવેથી એના કપાળ પર હાથ ફેરવ્યો. ઈચ્છાતો થઈ કે હોટ ચૂમી લઉં પણ ના એતો કદાચ પતિ તરીકેની શરીર વાસના ગણાઈ જાય. એક હળવું ચૂંબન કપાળ પર કરી પડખું ફેરવી લીધું. ઈશ્વરી તરફથી કોઈ પ્રતિભાવ ન મળ્યો.
ઈશ્વરી ઊંઘી ગઈ. ઘણાં સમયથી કહેવાની વાત ઘૂંટાયા કરતી હતી તે કહેવાઈ ગઈ. મન હલકું થઈ ગયું હતું. એના નસકોરાં બોલ્તાં હતાં. એ નિરાંતની ઊંઘ માણતી હતી. ડોક્ટરની ઊંઘ ઊડી ગઈ. એને સમજાયું જ નહિ કે પતિને બદલે પ્રેમી કેવી રીતે બનવું. સાથે રહ્યા, જીવ્યા, ડોક્ટરી કરી. દીકરા પેદા કર્યા, એમને મોટા કર્યા, હર્યા ફર્યા એમાં પ્રેમ ન હતો? ડોક્ટરને કશું જ સમજાયું નહિ. ડોક્ટર કવિ હતા. લાગણીના નહિ. કવિ હતા માત્ર શબ્દોના. શબ્દ છલનાના માહોર હતા. જે લખ્યું તે અનુભવ્યું જ ન હતું. જે ગાયુ તેનું ગુંજન પોતાના હ્ર્દયને સ્પર્શ્યું જ ન હતું. એને પ્રેમી બનતાં આવડ્યું જ ન હતું. હું પ્રેમી બનતા શીખીશ. હજુ તો સિત્તેર જ થયા છે, સહેજે પંદર વીશ વર્ષ તો જીવીશું જ. હવે ટિનેજર જેવો પ્રેમ કરતાં શીખીશ.
સોહમ આખીરાત પડખું ફેરવી ઝાંખા થતાં ચંદ્રને જોઈ રહ્યા. જાગતા પડી રહેવાનો અર્થ નથી. એ ઉઠ્યા. કોફી બનાવી, કોંટિનેંટલ બ્રેકફાસ્ટ તૈયાર કર્યો. ચાયના કેબિનેટમાંથી કદી ન વપરાયલો નવો સેટ કાઢી એને સજાવીને બાલ્કનીના ટેબલ પર મૂક્યો. બેક યાર્ડમાંથી લાવેલા તાજા ગુલાબથી ઈશ્વરીના હોઠ પર સ્પર્શ કર્યો. હની, હું તારો જ છું. માત્ર તારો જ પ્રેમી છું. ડોક્ટર ગણગણ્યા. ઈશ્વરી પણ જાગતી જ હતી. વર્ષોથી એ વહેલી ઉઠતી, બ્રેકફાસ્ટ તૈયાર કરતી, આજે પહેલીવાર સોહમે એને માટે નાસ્તો તૈયાર કર્યો. મન ભરાઈ ગયું. આ કાંઈ મોટી વાત ન હતી. છતાં આ નાના બદલાવથી જિવન પ્રત્યેનો અભિગમ બદલાઈ ગયો.
ડોક્ટરે એના બધા પુસ્તકો મિત્રોને વહેંચી દીધા, લાઈબ્રેરીમાં આપી દીધા. કવિસંમેલનોમાં જવાનું બંધ કર્યુ. જીવનના શેષ વર્ષો માત્ર ઈશ્વરી માટે જ ગાળવાનું નક્કી કર્યું. ઈશ્વરી માટે આ પુરતું હતું. ડોક્ટરે પોતે લખેલી કવિતાઓ જાતે જીવવા માંડી. આને પ્રેમ કહેવાય કે નહિ તે સોહમ નહોતા જાણતા, પણ ઈશ્વરીએ એ સ્વીકારી લીધું હતું. બસ આવા જ વર્ષો તે ઈચ્છતી હતી.
પણ કુદરત ક્યાં બધાને આ સુખ આપે છે? ચાર મહિના સ્વર્ગીય સુખમાં વિત્યા. સિત્તેરનું દંપતિ સત્તરનું હોય એમ વિહરતું હતું, અને વિશ્વભરમાણ કોવિડ પેન્ડામિકનો ભરડો ફરી વળ્યો. નિવૃત્ત હેલ્થકેર પ્રોવાઈડરો ડોકટર, નર્સોને હાકલ થઈ.
‘ઈશ્વરી, મારા ભૂતપૂર્વ પેસન્ટો બિમાર છે. હું જાઉં?’
‘ન જાવ તો ના ચાલે? આપણે બન્ને વૃદ્ધ છીએ. તમને પણ હવે દાદર ચઢતાં હાંફ ચઢે છે. ભલે એ સેવા હોય પણ મારું મન ના પાડે છે. સત્તરનું સુખ માણતી ઈશ્વરીને એકાએક ભાન થયું કે તેઓ સિત્તેરના હતા.
‘હું માત્ર બે કલાક માટે આઉટ પેશંટમાં પેશન્ટ ટને તપાસી દવા લખી આપીશ. કોવિડ સિવાય પણ માણસોને બીજી શારીરિક તકલિફો થાય જ છેને. હું એમને મદદ કરીશ.’
‘ભલે, જજો પણ કાળજી લેજો.’
પણ કાળે કાળજીને મ્હાત કરી. એક અઠવાડિયાબાદ સોહમને કોવિડ પોઝિટિવ પુરવાર થયો. પહેલાં આઈસોલેશન, પછી હોસ્પિટલાઈઝેશન, ન્યુમોનિયા, વેન્ટિલેટર અને આખરે કાર્ડિયાક એરેસ્ટ. સફેદ ચાદર ઓઢાઈ ગઈ. મેડિકલ ભાષામાં સોહમ મરી ચૂક્યા હતા. દુનિયાની દૃષ્ટિએ ડોક્ટર સોહમ પુરતું જીવ્યા હતાં. સારું જીવ્યા હતાં. પણ સોહમ અને ઈશ્વરી એકબીજા માટે તો અધુંરું જ જીવ્યા હતાં.
મૃત્યુ કાળે દરેક માનવી જૂદી જૂદી સ્થિતિ અનુભવતા હોય છે. જેની કોઈને ખબર નથી કારણ કે મૃત્યુ પામેલો માનવી બીજાને જણાવી શકતો નથી. વિજ્ઞાન એટલું તો કહે છે કે હૃદય ભલે બંધ થાય પણ શરીરના બધા જ અંગો એક સાથે મરતાં નથી. હૃદય બંધ હતું. પહેલું મૃત્યુ હૃદય બંધ થવાથી થાય છે. એ ક્લિનિકલ ડેથ છે. ધીમે ધીમે બધા અંગો મરતા જાય છે એ બાયોલોજીકલ ડેથ છે.
સફેદ ચાદરની નીચેનું ડોક્ટર સોહમનું શરીર મૃત્યુ પામ્યું હતું પણ પાંચ મિનિટ માટે એની બ્રેઈન ઇલેક્ટ્રિકલ એક્ટિવિટિ ચાલુ રહી હતી. એમણે સારવાર આપતાં ડોકટરોને સૂચના આપી હતી કે મારા ક્લિનિકલ ડેથ પછી પણ પંદર મિનિટ ઓક્સિજન ચાલુ રાખવો. ડોક્ટરોને કેમ તે જાણવાની પડી ન હતી. પણ ઓક્સિજન અડધો કલાક સૂધી ચાલુ રખાયો હતો.
કદાચ છેલ્લી પાંચ કે છ મિનિટ સોહમનુ વ્યથિત આંતરમન પ્રાર્થતું હશે. ઈશ્વરી મેં તને પૂરતો સમય નહિ આપ્યો. તું કોઈ સાથીદાર શોધી લેજે જે તને તારી અપેક્ષા પ્રમાણે પ્રેમ કરે. મેં તને વ્હાલ કર્યું છે. મને પ્રેમ કરતાં નથી આવડ્યું. જય શ્રી કૃષ્ણ
જાણે વ્યથીત આંતરમનમાં પડઘો પડ્યો. “જય શ્રીકૃષ્ણ” ડોક્ટરને ક્યાં ખબર હતી કે એના આખરી દિવસમાં એની સાથે રહેવા ન પામેલી ઈશ્વરીને સમાચાર મળતાં જ આઘાત લાગ્યો હતો અને એનું હૃદય બંધ પડી ગયું હતું. સત્તરના ટિનેજર એકબીજામાટે એક સાથે મરી શકે એ જ રીતે સોહમ અને ઈશ્વરીએ દિવ્ય પ્રેમયાત્રાના પ્રયાણ માટે એક સાથે દેહ છોડ્યો.
કેટલી વાસ્તવિકતા! વાર્તાના અંતના વળાંકે તેને વધારે રસમય બનાવી!
LikeLiked by 1 person
vythit anter man chevte prem pami sathe yatra karva nikli gayu. saras varta. janva jevu atyarna busi time ma koi ne shu joi teni noth leva jevi. don’t ignor any body.
LikeLiked by 1 person