“ટુ હન્ડ્રેડ પરસેન્ટ બંડલ વાટ” બલ્લુભાઈ નું દુઃસ્વપ્ન

મારા બ્લોગર્સ મિત્રોની ક્ષમા યાચના.આપની ઘણી પોસ્ટ વાંચવામાં મોડો પડ્યો છું. ઘણો જ પાછળ પડી ગયો છું. એકાદ દિવસ એક સામટા દશ કલાક બેસીને વાંચીશ અને પ્રતિભાવ આપીશ. સમય મળતાં સ્પિડરિડિંગ કરીને થોડી પોસ્ટ વાંચી છે પણ યોગ્ય પ્રતિભાવ આપી શક્યો નથી. જેમને હું ફોલો કરું છું તેમનો અનાદર શી રીતે થાય? મારા બ્લોગ પર પધારી લાઈક અને કોમેન્ટ આપનાર સૌ સ્નેહીઓનો આભાર.

આ સાથે અમારા સુરતી મિત્રોની મનોરંજક વિચારો રજુ કરું છું…
“ટુ હન્ડ્રેડ પરસેન્ટ બંડલ વાટ”
બલ્લુભાઈ નું દુઃસ્વપ્ન

જાગતો, અડધો ઉંઘતો, કાન પર હેડફોન લગાવીને ઝાકિર હૂસેન ના તબલા માણી રહ્યો હતો અને કંઈક એવો ભાસ થયો કે ઝાકિર મિંયાએ એકદમ તીન તાલ બદલ્યો અને જાણે તબલાને બદલે ભાંગડાના ઢોલ ઠોકાતાં હોય એવું લાગ્યું. ઝાકિરના તાલબોલને બદલે બરાડા સંભળાયા. હેડફોન કાઢ્યું તો સમજાયું કે મારા બારણાં ધબોધબ ઠોકાતાં હતાં. ઑહ માય ગોડ. બારણા ઠોકાય એટલે સમજાય કે મારા સુરતી મિત્ર ચંદુભાઈની પધરામણી.

નામ તો ચન્દ્રકાન્ત ચાવાલા પણ બધા એમને ચંદુ ચાવાલા તરીકે જ ઓળખે. આમતો હું એમના કરતાં ઉમ્મરમાં મોટો છતાં ટેવ મુજબ હું એમને માનપૂર્વક ચંદુભાઈ કહું. એઓ હંમેશાં મને પ્રેમથી કે મોટાઈથી ‘સાસ્ટ્રી’ અને તૂં તાં થી સંબોધે. ઉમ્મર સિવાય શારીરિક, આર્થિક, સામાજિક બધી રીતે જ એ મારા કરતાં મોટા. ઘણાં મોટા. બધાને તૂં તાં થી જ પ્રેમ પુર્વક બોલાવવાનો જન્મસિધ્ધ અધિકાર.

ચંદુભાઈને કોઈના ડોરબેલ મારવાની ટેવ નહી. બારણાં જ ધમધમાવે. મેં બારણું ખોલ્યું.

પણ ચંદુભાઈની જગ્યાએ કોઈ બીજા જ હોય એવું લાગ્યું.

‘એમ ટગર ટગર હું જોયા કરે છે? આ ટારો ચંડુભાઈ ચાવાલો જીવટો જાગટો, જાટે પોટે ટારી હામે ઉભેલો છે.’

‘સોરી ચંદુભાઈ પહેલા તો મને એવું લાગ્યું કે છપ્પનની છાતીવાળા મોદી સાહેબ એકદમ છોત્તેરના પેટ વાળા કેવી રીતે થઈ ગયા? પછી ખબર પડી કે આ નરેન્દ્ર મોદી નથી પણ વન એન્ડ ઓન્લી મારા પરમ સ્નેહી શ્રી ચન્દ્રવદન ચાવાલા છે.

‘આ ધોળી દાઢી, માથા પર કાળા કલર કરેલા વાળને બદલે સફેદવાળ, અડધી બાંયના ભગવા કુર્તા પર બ્લ્યુ બંડી, ગળે બરાબર ગોઢવેલી સાલ! વાહ ભાઈ વાહ! જો વજનને મહત્વ ન આપીએ તો તમે અસ્સલ મોદી જ લાગો.’

‘સાસ્ટ્રી મસ્કા મસ્કરી બન્ડ કર. હું આપના મોડી જેવો જ હિન્દુટ્વ વાડી ગુજરાટી છું. મોડિની જેમ જ ઢાર્મિક પન છું. એતલે આપના મોડીને સપોર્ત કરવા, ને’રૂ જેકેત છોરી મોડી જેવી દ્રેસ સૅન્સ ફોલો કરૂ છું. આમ બાગાની જેમ મારી હામું જોયા ની કર. મને બારનામાં જ ઉભો રાખવાનો છે કે ઘરમાં ઘૂસવા ડેવાનો છે.’

‘અરે આવો, આવો ચન્દુભાઈ., ચંદુભાઈ ઘણે દિવસે ફોન કર્યા વગર એકદમ સાચ્ચા અતિથી બનીને મારા ઘરને પાવન કર્યું, મને અત્યંત આનંદ થયો.’

અમે મૂળ સુરતના ચાર પાંચ ગોઢીયાઓ પાછા અમેરિકામાં ભેગા થયા. એમાં ચંદુભાઈની વિશિષ્ટતા એ કે જ્યારે અમે ભેગા થઈએ ત્યારે એમને શુધ્ધ સુરતી જ બોલવાની ટેવ.’

‘ચાલ, ટુ ટારી લબારી બંડ કર. ટારા ખીસ્સામાં ફોન ઓય ટો પન ટુ બે’રો. તને બારનાના ઠૉકા ટોક ની હંભરાય ટો ફોન કાંઠી હાંભરવાનો! આટો બલ્લુને ટાં એની વાટ હાંભરવા ટને ને મને બોલાવ્વાનો ફોન આવેલો. પન ટુ ટો ડારેને ડારે બે’રો ઠટો જાય. ટને કાંઠી હમ્ભરાય! બલ્લુએ કઈલું કે સાસ્ટ્રીને પકરતો આવજે. ચાલ જલ્દી ટૈયાર ઠઈ જા.’

[વાચક મિત્રો જો આપ અમારા વડિલ મિત્ર માનનીય શ્રી બલ્લુભાઈ દેસાઈને ન ઓળખતા હો તો શ્રી બલ્લુભાઈની જિજીવિષા પર ક્લિક કરી વાંચી જજો.]

ચન્દુભાઈ મને બલ્લુભાઈની વાત બૉરિંગ લાગે છે. મારે નથી આવવું. એમને અસ્ટમ પસ્ટમ સમજાવી ને કહી દેજો કે શાસ્ત્રી ઘરમાં ન હતો કે પછી માંદો હતો એવું કાઈ સમજાવી દેજોને પ્લીઝ!

ટુ બામન ઠઈને મને જૂઠ્ઠુ બોલવાનુ હીખવે છે? ટને ખવરછે કે બઢા ડેશીઓની જેમ હું ટેક્ષરિટર્નમાં પન જુઠ્ઠુ ‘નઠી બોલટો, ટો ટારા બલ્લુને ટાં નઈ આવવાના અખારામાં હું લાઈ બોલવાનો? ફરગેટ ઈટ. ચાલ જલ્ડી તૈયાર ઠઈ જા’.

મોટેભાગે વાન લઈને ફરતા ચન્દુભાઈ ૨૦૧૫ની એસ્ટોન માર્ટિન સ્પોર્ટકાર લઈને આવ્યા હતા.

ચન્દુભાઈ, નવા ડ્રેસની સાથે નવી કાર?

આની ડ્રાઈવિંગ સીટમાં ચન્દુભાઈ કેમ કરીને ફીટ થશે એ મનમાં સવાલ થયો પણ અવ્યકત રાખ્યો. માંડ માંડ એ ગોઠવાયા. એમણે જ ખુલાસો કર્યો. “આટો મારા ચોઠા નંબરના ડીકરાની વહુની કાર છે. એક લાખમાં લીઢી. આજે એને મારી વાનનું કામ પર્યું. મને કે ‘ડેડ યુ ટેઈક માઈ કાર’ મારા ડીકરા કરટા મારી વહુ બૌ ઉડાર. ડિકરો મને એની કાર નઈ આપે પન વૌ ટરટ આપી ડે. ‘

અમે વાતો કરતાં બલ્લુભાઈને ત્યાં પહોંચ્યા.

હું બ્રાહ્મણ અને બલ્લુભાઈ, દેસાઈ એટલે અનાવિલ બ્રાહ્મણ. ગાયત્રીમાતાના ફોટા સામે બેસીને મોટેથી ગાયત્રીમંત્રના જપ કરતા જાય અને એક મોટા દિવામાં ચમચીથી ઘીની આહુતી આપતા જાય. અમને ઈશારતથી એમની પાસે બેસવાનો હુક્કમ છૂટ્યો. અમે પણ જોડાયા. હું મનમાં ગાયત્રીમંત્ર બોલતો હતો પણ મારા કરતાં ચન્દુભાઈ વધારે શ્ર્દ્ધાળુ. અમારા બ્રહ્મબંધુઓ કરતાં પણ મોટા અવાજે મત્રોચ્ચાર કરતા હતા. થોડી વાર પછી આરતી અને પ્રસાદ લીધો.

મારી સામે જોવાની દરકાર રાખ્યા વગર જ ચન્દુભાઈ સાથે વડીલ બલ્લુભાઈએ વાતો કરવા માંડી.

‘ચન્દુ, હવે મોદી છાપ ભગવુ પહેરણ-બંડી છોડી પાછો ને’રુ જેકેટ પર આવી જા. ને આ તારી દાઢી બોડાવી આવ. આપણા મોદી ગયા.’

વ્હોટ, ઓહ નો. રીઅલી? મારાથી લગભગ ચીસ પડાઈ ગઈ.

હું ખુરશી પરથી અડધો ઉભો થઈ ગયો. હું ઝાકિર હૂસેનના તબલામાં ડેસ્ક પર હાથ ઠોકવામાં એટલો મશગુલ થઈ ગયો હતો કે મેં આવા અગત્યના સમાચાર ન સાંભળ્યા.

ચદુભાઈએ તો રીતસર અસલના જમાનાની પોક જ મૂકી. “ઓ મારા મોદીજીં, કોને આવી દુર્બુદ્ધિ સૂંજી?’

અરે મુર્ખાઓ, મેં એમ ક્યાં કહ્યું કે મોદી હયાત નથી. ડોબાઓ મે તમને મારા ભયંકર દુઃસ્વપ્નની વાત કરવા બોલાવ્યા છે. આપણા મોદીને સો વર્ષનું આયુષ્ય મળે એ માટે મેં ગાયત્રી દિપ યજ્ઞ પણ કર્યો છે. આઝાદી મળ્યા પછી પહેલીજ વાર વિશ્વમાં ભારતનું નામ ઉજાળે એવા સક્ષમ વડાપ્રધાન મળ્યા છે.

‘પણ આ શાસ્ત્રીએ ફોન પર મારું મગજ બગાડ્યું અને મને ખરાબ સ્વપ્નુ આવ્યું. એને સ્વપ્નુ પણ ન કહેવાય. ઈટ વોઝ એ નાઈટ્મે’ર.’

‘એઈ સાસ્ટ્રી,  ટેં આપના બલ્લુભાઈને હું કઈલું ટે બિચારા સાન્ટીથી ઘોરી બી નઈ સકે?’

ચન્દુભાઈ વાત જાણવા આતુર હતા. મારે માટે બલ્લુભાઈના સ્વપ્નાની વાતનું કાઈ મૂલ્ય ન હતું. માત્ર તાઢા પોરના ગપ્પા જેવો ઘાટ. માત્ર એક જ ફાયદો. આજનું સાંજનું સુરતી ડિનર બલ્લુભાઈને ત્યાં. ફીઝ….એનીચુકવવી પડતી કિમ્મત…..! એમની વાત સાંભળવી. અને એના સ્વપનાને બિરદાવવા.

‘આ શાસ્ત્રીએ કશેક વાંચ્યું જશે કે આપણા દેશ હિદુધર્મને લીધે કારણે જ પાશ્ચાત દેશો જેટલી ભૌતિક અને વૈજ્ઞાનિક પ્રગતી સાધી નથી શક્યો. કેટલાક વૈજ્ઞાનિક ઈતિહાસકાર રેશનાલિસ્ટોનું માનવું છે કે આપણા દેશને હિન્દુત્વ અને બ્રાહ્મણવાદે જ દેશને પાયમાલ કરી નાંખ્યો છે અને મોદીને લીધે હિન્દુત્વનો હડખવા હવે બેકાબુ બન્યો છે. દુઃખની વાત એ છે કે કમનશીબે આપણો આ જનોઈ વગરનો બ્રાહ્મણ પુત્ર શાસ્ત્રી પણ રેશનાલિસ્ટોને રવાડે ચઢી નાસ્તિક થઈ ગયો છે.’

‘બલ્લુભાઈ એ સાચું નથી. હું એક અજ્ઞાત ઈશ્વરી શક્તિમાં તો માનું જ છું અને એ શક્તિ કેન્દ્રનું અસ્તિત્વ સ્વીકારું છું. પણ એ શું છે એ સમજતો નથી અને જીવનના અંત સૂધી સમજી શકવાનો પણ નથી. સામાજિક રીત રિવાજો અને પ્રાદેશિક સંસ્કૃતિને ઘર્મ સાથે જોડવામાં આવે તેનો તો હું પણ વિરોધી છું એટલે હું નાસ્તિક નથી. મારા કુટુંબમાંથી અનેક સામાજિક કુરિવાજો ક્યારનાએ બંધ થઈ ગયા છે. તમને તો ખબર છે કે મારા ઘરમાં દેવસ્થાન છે. હું કોઈ કથા સાંભળવા નથી જતો પણ અવાર નવાર જૂદા જૂદા મંદિરમાં પણ જાઉં છું.’

‘હાહા ટુ જાય છે પન ટારી વાઈફને કારને જ જાય છે. ને ટે પન પરસાડ ઝાપટવા જ જાય છે. ટારામાં ભક્ટીનો જરા બી ઝાંટો નઠી. મારે ટાં કઠા હોય ટિયારે કઠા પુરી ઠઈ જાય પછી જ શીરો ખાવા આવે છે. ટુ તો પરસાડીયો બગ ભગટ છે. તારા કરટા ટો બલ્લુભાઈ હારા કે હજુ પન જનોઈ પ્’રીને ગાયટ્રીમાટાના મંટ્રના જપ કરે છે. ટે બી પોટા માટે નઈ પન આપના ડેશનેટા મૉડીજી માટે.’

‘બલ્લુભાઈ દુઃખની વાત એ છે કે મને આજ સુધીમાં કોઈ સમજ્યું જ નથી કારણકે હું કોઈને સમજાવી શક્યો નથી. કદાચ હું પોતાને જ સમજી શક્યો નથી. એની વૅ. તમે તમારા સ્વપ્નાની વાત કરો.’

‘તો સાંભળ.’

‘ભારતમાં કોઈક જગ્યાએ બે-ચાર ધુતારા બાવાઓને પકડવા પોલિસ ગઈ, બાવાના ઘેટાંઓએ કાયદો હાથમાં લીધો. મોટી ધમાલ થઈ. રેશનાલિસ્ટ પ્રાણીઓએ જાત જાતના અવાજો કાઢવા માંડ્યા. હિન્દુ ધર્મ સડેલો છે. ઊધઈવાળો છે. બધા બાવા બાપુઓ નક્કામાં છે દેશને લૂંટી રહ્યો છે.’

‘આતો મહદ અંશે સાચું છે.’ મેં મારો અભિપ્રાય આપ્યો.

‘શાસ્ત્રી, મેં તારો અભિપ્રાય નથી માંગ્યો. વચ્ચે બોલશે તો મારી લિન્ક તૂટી જશે.’

‘હાં, તો હું એમ કહેતો હતો..’ બલ્લુભાઈએ આગળ ચલાવ્યું.

‘રેશનાલિસ્ટો અને હિદુત્વ સરકારની ધાર્મિક નીતિ-રીતિ તરફના ઝગડાઓએ એક મોટી અધાંધુતી સર્જાવી. કોણ શું કહેવા માંગે છે તે અસ્પટ હતું. વાત ક્યાંથી ક્યાં પહોચી તે પ્રજાને સમજાતું ન હતું. હાં આ તકનો લાભ લઈ નહેરુ-ગાંધી પરિવાર ઊંઘમાંથી જાગ્યો. રેશનાલિસ્ટોએ હિદુત્વ સામે સળગાવેલા ભઠ્ઠામાં મોંઘા ભાવનું પેટ્રોલ રેડ્યું. પછી તો હિદુસ્તાનમાં હિદુઓ સામે ધર્મ વિરૂધ્ધની ક્રાંતી, મિડટર્મ ઈલેક્શન, ભાજપનો રકાશ, કોન્ગ્રેસનો જ્વલંત વિજય. પ્રિયંકા બની પી.એમ. વાડ્રા બન્યો ફાઈનાન્સ મિનિસ્ટર. સોનિયાજી સ્વિટ્ઝર્લેન્ડમાં સ્થાયી થયા. મોદીજી હિમાલયમાં અદૃશ્ય થઈ ગયા. રેશનાલિસ્ટોએ બધા મંદિરોની મુર્તીઓ વિદેશોના સંગ્રહસ્થાનને વેચી દીધી. મંદિરની સંપત્તિ રેશનાલિસ્ટોએ આત્મવિકાશ માટે હસ્તગત કરી. મંદિરોને મલ્ટિપ્લેક્ષમાં કન્વર્ટ કરી દીધા. દેશના બધા બ્રાહ્મણોને કાશ્મિર મોલલી દેવાયા, અને કાશ્મિર પાકિસ્તાનને આપી દેવાયું. બધા બ્રાહ્મણોની પાકિસ્તાનમાં સામુહિક હત્યા થઈ. કોઈક રીતે રામબાબા અને આસારામ બાપુ છટકી હયા. રામબાબાએ લોસ એન્જલિસમાં ‘ગો ગો યોગાકેન્દ્ર શરૂં કર્યું. આસારામે લૉસ વેગાસમાં ક્રિષ્ન કેસીનો શરૂ કર્યો. મોદીજી હિમાલયથી ચીન, જાપાન, થઈને અમેરિકા આવ્યા અને મેડિસન સ્ક્વેર પાસે ચાની લારી શરૂ કરી.’

‘મારી ઊંધ ઉડી ગઈ. થોડીવાર પથારીમાં ત્ફડતો રહ્યો. રાત્રે બે વાગ્યા હતા. જાતે ચા બનાવી. મોદીજીના સ્મરણ સાથે ચા પીધી. સ્નાન કરી ભારતની પ્રજાના કલ્યાણ માટે જપ કરવા બેઠો.‘

‘આ શાસ્ત્રીના મગજના ઠેકાણા નથી. જ્યારે જ્યારે મને કંઈ અર્થ વગરની કોઈ બ્લોગ પરની ઢંગઢડા વગરની વાત કરી જાય ત્યારે હું વિચારમાં પડી જાઉં અને મને ખરાબ સ્વપ્નાઓ આવવા માંડે. આજે આ ગાયત્રી દીપ યજ્ઞ કર્યો તે મેં આપણા મોદી અને બીજેપી માટે જ કર્યો છે.’

‘બલ્લુભાઈ તમારી હાઠે મેં પન થોરા ગાયટ્રી મંટ્ર બોલીને આપ્ની ગાયટ્રીમાટાને રિક્વેસ્ટ કરી છે કે આ બામનને કાંટો પૂરો નાસ્ટિક બનાવી ડો, કાંટો એને ઢાર્મિક બાવો બનાવી ડો.’

‘બલ્લુભાઈ, તમારુ આ સ્વપ્ન એ સ્વપ્ન છે. આવું કશું જ થવાનું નથી. રેશનાલિસ્ટો તદ્દન ખોટા પણ નથી. કેટલાક વિદ્વાન અને બુદ્ધિશાળી છે. જેમ ધર્મમાં, અંઘશ્રદ્ધામાં અને સામાજિક કુરિવાજોમાં ફસાયલા ઘેટાઓ છે તેમ જૂદી રુવાટીવાળા નવા રેશનાલિસ્ટ પ્રાણીઓ પણ છે. આપણા દેશમાં જે જે ખરાબ છે તેનું મૂળ કારણ બ્રાહ્મણો જ છે. મંદિરો છે. તેમના ડોકાં માત્ર એક જ દિશામાં અને દશામાં જકડાઈ ગયેલા છે. એટલે બિચારાઓ એક જ જગત જોઈ રહ્યા છે. એઓ બધા પ્રમાણિકપણે માને છે કે હિન્દુ ધર્મની ખોટી માન્યતા અને ધાર્મિક માન્યતામાં જીવન વેડફી રહ્યા છે. એને માટે બ્રાહ્મણો જ જવાબદાર છે. શાસ્ત્રમાં કહ્યું છે કે તમે ગમે તેની ભક્તિ કરો, આખરે તો તે કૃષ્ણ પ્રતિ જ જાય છે. એ જ પ્રમાણે ભારતમાં જે જે ખોટું થાય છે તેનું પગેરું બ્રાહ્મણ, બાવા, બાપુઓ અને ધર્મ તરફ જ થાય છે. એવું કેટલાક બુદ્ધિજીવી રેશનાલિસ્ટ પ્રાણીઓનું માનવું છે. દરેક પોતાની માન્યતાઓમાં પોતાનું જીવન પુરું કરે છે.’

‘બલ્લુભાઈ મને ખબર છે કે તમે ટીનેજર હતા ત્યારે સુરતમાં જે જે નવું પિક્ચર આવતું ત્યારે પહેલા શોમાં જ જોવા માટે પાંચ આનાની ટિકીટની લાઈનમાં કલાકો ઉભા રહેતા. અને મોટા થયા પછી બેસતા વર્ષને દિવસે સવારે ચાર વાગ્યે મંદિરે દોડતા હતા. નથી લાગતું કે એ બધા ધખારા અર્થ વગરના હતા?’

‘આજે સ્વપ્નાના મારણ તરીકે ચાર કલાક માળામાં બગાડ્યા તેને બદલે ચાર કલાક ફેસબુક કે ગુગલ પરના જ્ઞાન યજ્ઞમાં ગાળ્યા હોત, તો કેટલી શાંતી મળતે? કેટલું બધું જાણવા મળતે? તમે તમારા જીવનના ૮૦ વર્ષ અંધકારમાં ગાળ્યા, બાકીના વીસ-પચ્ચીસ જે વર્ષો બાકી છે તે ઉજાળવા થોડા બ્લોગ પર આંટા મારો. બીજાના નહીં તો મારા બ્લોગ પર આવો અને હું જે લખું છું તેનો પ્રતિભાવ આપો. મને પણ કેમ વિચારવું કેમ લખવું તેનું માર્ગદર્શન મળશે.’

‘સાસ્ટ્રી ટુ બીલકુલ અડુકિયો દડુલિયો માનસ છે. ટુ પોટે બગરી ગયેલુ જીપીએસ છે. ટુ બઢ્ઢાને મીસ ગાઈડ કરે છે. ઢરમ વારાને રેશનાલિસ્ટ બનાવા માંગે છે ને રેશનાલિસ્ટને મંડિરે મોકલે છે. તારી વારટા બિલકુલ ટુ હન્ડ્રેડ પર્સન્ટ બંડલ છાપ હોય છે. ડોહો થયો ટો પન બેશરમ ઠઈને સેક્સની વારટા ઠોક્યા કરટો હોય છે’.

‘બલ્લુભાઈ ટમારે એની કોઈ બી વાટ મગજ પર લાવવી નઈ.’

‘ઓકે બલ્લુભાઈ, મારી વાતોને કારણે જ તમને ભયંકર સ્વપ્ના આવતા હોય તો આપણે બોલીવૂડની વાત કરીયે, કેટ કપુર કાનદાનની વહુ બનશે?’

‘બસ બલ્લુભાઈ,  હવે બીજા કોઈ સ્વપ્નાની વાતમાં ગભરાશો નહીં સ્વપ્ના એ સ્વપના જ છે. જરા સ્વપ્નકથા ને અંતે રાબેતા મુજબ ગાયત્રી દિપયજ્ઞનો મહાપ્રસાદ થઈ જાય તો અમે ઘરભેગા થઈએ.’

‘ટુ આ બલ્લુભાઈના નાઈટમૅ’રની વાટ ટારા બ્લોગમાં ગુસાડવાનો છે?’

‘શું મારે આવી બેકાર વાતો પણ મારા બ્લોગમાં મુંકવી જોઈએ.’

‘વાચક મિત્રો, શું માનો છો?’

 

8 responses to ““ટુ હન્ડ્રેડ પરસેન્ટ બંડલ વાટ” બલ્લુભાઈ નું દુઃસ્વપ્ન

  1. મનસુખલાલ ગાંધી, યુ,એસ.એ. January 1, 2016 at 9:28 PM

    સુંદર વિષયમાં મજા આવી ગઈ…..

    Liked by 1 person

  2. Vinod R. Patel December 2, 2014 at 10:55 AM

    મીઠી સુરતી ઝબાનમાં મિત્રોની વાતોનાં વડાં બહું ભાવ્યાં. સુરતી ફરસાણ !

    Liked by 1 person

  3. chaman November 26, 2014 at 9:33 PM

    મને તો મઝા પડી. વિષયોની વિવિધતા વધારે રાખો. પ્રતિભાવોની વર્ષા થશે જ.

    Liked by 1 person

  4. aataawaani November 26, 2014 at 2:43 PM

    તમારી સુરતી ભાષાની છાંટ વાળી વાર્તા બલ્લુભાઈ વિશેની સાંભળી . બહુ મજા આવી

    Liked by 1 person

  5. harnishjani52012 November 25, 2014 at 11:38 PM

    લો સાસટરી હારો છાપરે ચઢી ગીયોને કંઈ. પડહે ટારે હમજશે. કે કોઈના કીઢે અમ છાપરે નઈ ચણી જવાનું

    Liked by 1 person

  6. Deejay Thakore November 25, 2014 at 1:23 PM

    વાહ મઝા આવી હુરતી વાંચવાની.આભાર.

    Like

  7. pravinshastri November 24, 2014 at 11:06 AM

    ગુરૂદેવ, ટમે જ મને છાપરે ચરાવીને નીસરની ખેંચી લીઢી છે.

    Like

  8. Amrut Hazari. November 24, 2014 at 10:33 AM

    મારા મનની વાત કેઇ દીઘી….ને છેલ્લે છેલ્લે મારા વિચારો બી કેઇ દીઘા. તારી પાહે કમાલની આવડત છે…અહાવતાં અહાવતાં બે ચાર ઘીક્કા તો મારીયાજ કરે….સરસ અભિનંદન.

    Like

Leave a comment