જિપ્સીની ડાયરી

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી – An Officer and a Gentleman

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Thursday, May 13, 2021

An Officer and a Gentleman

ભારતીય સેનાના અફસરનો નવો અવતાર પામતાં એક તરફ મારૂં મનમાં

આનંદનો સાગર હિલોળા લેતું હતું, પણ બાએ મારા ખભા પર સ્ટાર મૂક્યો

તેની સાથે એક મોટી જવાબદારી આવી હતી તેનો અહેસાસ થયો.

 ભારતીય સેનાના અફસરોની ભરતી અને ટ્રેનિંગ માટે સ્થપાયેલી IMA – ઇંડિયન

મિલિટરી ઍકેડેમીના સ્થાપક ફિલ્ડ માાર્શલ સર ફિલિપ ચૅટવૂડે ભારતીય સેનાના

અફસરો માટે Credo – એક મૂલમંત્ર રચ્યો છે. 

The safety, honour and welfare of your country come first,

always and every time.

The honour, welfare and comfort of the men you command

come next.

Your own ease, comfort and safety come last, always

and every time.

તમારાદેશનુંસંરક્ષણઅસ્મિતા અને કલ્યાણ તમારું પ્રથમચિરંતન અને

પ્રત્યેકક્ષણ માટેનું કર્તવ્યછે.

બીજા ક્રમે તમારૂં કર્તવ્ય તમારા નેતૃત્વહેઠળના સૈનિકોના ગૌરવકલ્યાણ અને

સુખાકારી પ્રત્યે રહેશે. 

તમારી પોતાની સુવિધાઆરામ અને સંરક્ષણ હંમેશાહરઘડી અને

કાયમ સ્વરૂપે છેલ્લા ક્રમે રાખશો

***

દર રવિવારે મિત્રો સાથે અમદાવાદના લૉ ગાર્ડનના શંકરનો આઇસક્રીમ કે

માણેકચોકમાં અશરફીલાલની કુલ્ફી ખાવા જનાર, સાંસારિક જીવન અને

પારિવારિક જવાબદારીની ભુલભુલામણીમાં ગોથાં ખાનાર યુવાનનું એક અદ્ભૂત

ધૂણીમાં તપીને મિલિટરી અફસરમાં પરિવર્તન થયું હતું. અમારા બન્ને ખભા પર

ભલે એક-એક તારક હતો, પણ તેમાંથી નીકળતા પ્રકાશમાં અમારા જીવનનું નુતન

અભિયાન શરૂ થયું હતું. પ્રશિક્ષણ દરમિયાન અમારા નાગરી જીવનની સુખાસિનતા,

આરામથી કામ કરો, કામમાં થોડી ઘણી ઢીલ કે અપૂર્ણતા – “ચાલે અને આવું તો

ચાલ્યા કરે’’ની વૃત્તિને અમારી રગેરગમાંથી કાઢી નાખવામાં આવી હતી. અમારી

કામ કરવામાં થોડી પણ ભુલ થાય તો અસંખ્ય સૈનિકોનો જીવ જોખમમાં આવી

જાય તેથી નાનકડી ક્ષતિ પણ ન ચાલે. 

આપે કદાચ પેલી અંગ્રેજી કવિતા વાંચી હશે : All for the want of a horseshoe nail. 

એક ઘોડેસ્વાર સૈનિક, જેની ફરજ સંદેશવાહકની હતી, તેના અશ્વના ડાબલા પરની

લોખંડની નાળમાંથી એક ખિલો નીકળી ગયો હતો. હુકમ હતો કે આવું કંઇ થાય

તો તે કામ તત્ક્ષણ પૂરૂં કરી લેવું. આ સૈનિકે ‘ચાલશે હવે. આ એટલું કંઇ મહત્વનું

કામ નથી. જરૂર પડતાં ‘થઇ જશે’ – માની કશું કર્યું નહીં. અત્યારે ક્યાં કૂચ કરવાની

છે? કહી તે આરામ કરવા ચાલ્યો ગયો. મધરાતે તેના અફસરે હુકમ આપ્યો :

અબઘડીએ નીકળ અને રાજધાની પહોંચ. આ સંદેશ કિલ્લામાં જઇ સેનાપતિને

આપી આવ. સંદેશ હતો, દુશ્મન ભારે સંખ્યામાં પાટનગરના કિલ્લા પર હુમલો

કરવા નીકળ્યો છે, તો તૈયાર રહો.

સંદેશવાહકને યાદ ન રહ્યું કે ઘોડાની નાળમાંનો એક ખિલો જડવાનો બાકી હતો.

તેણે ઘોડો દોડાવ્યો. પાંચે’ક માઇલ ગયો હશે ને નાળ ઢિલી પડી ગઇ. ઘોડાના

પગને ઇજા થઇ અને તે લથડી પડ્યો. સાથે ગબડ્યો સૈનિક અને બુરી રીતે જખમી

થયો. સંદેશ કિલ્લા સુધી પહોંચી ન શક્યો. અસાવધ પાટનગર પર દુશ્મને હુમલો

કર્યો અને સેંકડો પ્રજાજનો માર્યા ગયા. રાજા હારી ગયા. પરદેશીઓએ રાજ્ય જીતી લીધું. 

આમ સૈન્યમાં ઝીણામાં ઝીણી વાતમાં અત્યંત ચિવટ રાખવી જોઇએ તે અમારા

રોમેરોમમાં ઠસાવવામાં આવ્યું હતું. હવે અમે ‘સિવિલિયન’ નહોતા રહ્યા. અમારી

ચાલવાની ઢબથી માંડી દરેક કામમાં ચુસ્તી, ઝડપ અને કોઇ પણ કામ કરો, તે એવી

યોજનાબદ્ધ કાળજીથી કરો કે તે પહેલા પ્રયત્ને જ સફળ થાય અને તે ઉત્તમ દરજ્જાનું

હોય. આજકાલના મૅનેજમેન્ટના સિદ્ધાંતોમાં ‘Get it right the first time’ છે, જે

વર્ષોથી સૈન્યના અફસરોના માનસમાં તેના પ્રશિક્ષણના સમયથી જ ઠસાવવામાં

આવે છે. કોઇ પણ કાર્ય હોય તેની ઝીણામાં ઝીણી વિગત પર પૂરું ધ્યાન આપવું

તેને અમારી સહજ વૃત્તિ બનાવવામાં આવી હતી.

આનો અર્થ એવો નથી કે અમે ‘સુપરમૅન’ બન્યા હતા. અમારા કામમાં અમે જેટલી

ચોકસાઇ અને યોજના કરીએ એટલી કે કદાચ તેનાથી વધુ ચોકસાઇ ડૉક્ટર અને

શસ્ત્રક્રિયા કરનાર સર્જ્યન, શિક્ષક, આર્કીટેક્ટ અને હસ્તકૌશલ્યના કારીગરને

રાખવી પડતી હોય છે. ભારતના પુરાતન શિલ્પ જોઇએ તો ખ્યાલ આવશે કેટલી

બારિકાઇથી તેમાં કોતરકામ કરવામાં આવેલ છે. છિણી પર અલ્પાતિઅલ્પ

વધારાનો ઘા પડવાથી આખું શિલ્પ ધરાશાયી થઇ જાય, એવી નિપૂણતા આવા

કલાક્ષેત્રમાં પ્રાપ્ત કરવાની હોય છે. સૈન્યમાં નાનામાં નાની ભૂલથી કેટલા સૈનિકો

મૃત્યુ પામી શકે છે અને તેમના પર આધાર રાખનારા સેંકડો પરિવારનું સુખ

નષ્ટ થતું હોય છે. 

અમારા પ્રશિક્ષણનો અંતિમ ધ્યેય તો એ હતો કે અમે એવા યોદ્ધાઓના નેતા

બનીએ જેની નિર્ણયશક્તિ પર અનેક સૈનિકો પોતાના જીવનની જવાબદારી

સોંપી શકે. તેમના વિશ્વાસને પાત્ર બની, યુદ્ધની કપરામાં કપરી સ્થિતિમાં તેમની

સફળ આગેવાની કરી શકીએ. અમારા કાર્યમાં પ્રામાણિકતા, નૈતિકતા, નિષ્ઠા,

નિ:સ્વાર્થ નેતૃત્વ અને વફાદારીને સર્વોચ્ચ મહત્વ આપવામાં આવ્યું હતું. અમારૂં

વર્તન દેશના શ્રેષ્ઠ નાગરિક જેવું વિનયશીલ હોવું જોઇએ. આ વાતનું મહત્વ ભારતીય

સેનાના અફસરોને પ્રશિક્ષણ વખતે તેમના રક્ત અને શ્વાસમાં સમાવવામાં આવે છે.

તેથી જ તેમને Officer and Gentleman કહેવામાં આવ્યા છે. અમને એક વધુ વાત

સમજાવવામાં આવી કે આ એવી ઉમદા વિચારધારા છે, જેની અંતર્ગત એક બીજા માટે

અમે હતા ‘brother officers’. અમારા જવાનો માટે તેમના અદના સાથી તથા તેમના

પરિવારના સદસ્ય બની રહીએ. આમ, સૈન્યમાં હજારો અફસરોનો એકબીજા સાથે

ભાઇનો સંબંધ બંધાયો છે. જે આદર્શ અને ધ્યેયને લક્ષ્ય બનાવી સેનામાં ભરતી થવા

આવ્યો હતો, તે મને અહીં પૂર્ણ રુપે પ્રાપ્ત થતા લાગ્યા. એક નવા વિશ્વમાં, સર ટૉમસ

મોરના ‘યુટોપિયા’ તરફ પગલાં ભર્યા હોય તેવું લાગ્યું. એક આદર્શવાદી યુવાનને

આનાથી વધુ શું જોઇએ? 

૨૭મી જાન્યુઆરી ૧૯૬૪ના રોજ અમે ઘેર ગયા. મને એક અઠવાડિયાની રજા મળી

હતી. તે પણ કેટલી ત્વરાથી વિતી ગઇ! 

મને ત્રણ મહિનાની advanced training, જેને Young Officers Course કહેવાય

છે, તેના માટે ઉત્તર પ્રદેશના સુરમા માટેના પ્રખ્યાત બરેલી જવાનો હુકમ

મળ્યો હતો. 

ફરી એક વાર પરિવારથી દૂર થવાનો પ્રસંગ આવ્યો હતો. 

પ્રવાસની ઘટમાળ શરૂ થવાની હતી તેનો જાણે આ પૂર્વ સંકેત હતો. 

Posted by Capt. Narendra 

Leave a comment